ભારત સરકારના સૂત્રોનો દાવો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા ખરેખરમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI દ્વારા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જરની હત્યા પાછળ મૂળ કારણ ડ્રગ્સના વેપાર પર નિયંત્રણને લઇ કરવામાં આવી હતી. નિજ્જરની હત્યામાં બે કેનેડિયન ISI એજન્ટ રાહત રાવ અને તારિક કિયાની સામેલ છે આ બંને ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ અજાણ્યા વ્યક્તિ માટે નિજ્જર પાસે જવું અશક્ય હતું, પરંતુ બંને હેન્ડલર્સ તેને મળતા હતા. આ કારણથી તેની હત્યા એવી જગ્યાએ કરવામાં આવી હતી જ્યાં કોઈ નિજ્જરની નજીક પણ જઈ શકતું ન હતું. તે ISIના સમર્થનથી જ ખાલિસ્તાની એજન્ડા ચલાવતો હતો. ISIની મદદથી પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટર્સ ડ્રગ્સ સ્મગલિંગ ગેંગ ચલાવી રહ્યા છે. આતંકવાદીઓ અને ISIને પણ કમાણીનો હિસ્સો મળે છે. આ નેટવર્ક પર આઈએસઆઈની પકડ ઢીલી થવાને કારણે આતંકવાદીઓએ પોતાની ઈચ્છા મુજબ પૈસાનો ઉપયોગ શરૂ કરી દીધો, જેના કારણે નિજ્જરને રસ્તામાંથી હટાવવો પડ્યો.
ખાલિસ્તાન તરફી પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે કહ્યું કે નિજ્જર હત્યા કેસમાં કેનેડા પાસે ભારત વિરુદ્ધ મજબૂત પુરાવા છે. પીએમ ટ્રુડોની લઘુમતી સરકારનું સમર્થન કરતા જગમીતે કહ્યું કે તેમની પાર્ટી આ કેસમાં દોષિતોને ઝડપથી સજા કરવા માટે સરકાર પર દબાણ લાવશે. ઇન્ટેલિજન્સ ઇનપુટ્સથી તેઓ આ બાબતે સરકારના વલણને સમર્થન આપી રહ્યા છે.
87 દેશોના શીખો સુધી ખાલિસ્તાન અભિયાન ‘મિશન શીખ જોઈન્ટ’ ફેલાવવાનું ષડયંત્ર
સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ખાલિસ્તાનને લઈને ખતરનાક યોજનાઓ સાથેની મોટી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિશ્વના 14 દેશોના 40 ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં 87 દેશોમાં તેના ખતરનાક ખાલિસ્તાન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ‘મિશન શીખ જોઈન્ટ’ને આગળ વધારવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર ઉગ્રવાદીઓએ નક્કી કર્યું કે ખાલિસ્તાનનો અવાજ બુલંદ કરવા અને શીખોને જનમત સંગ્રહમાં સામેલ કરવા માટે ખતરનાક પગલાં ભરવા પડશે.