પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રોકેટ લોન્ચરનો ગોળો ફાટવાને કારણે પાંચ બાળકો સહિત નવ લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકો રોકેટ લોન્ચર સાથે રમી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના બની હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મેદાનમાં રોકેટ લોન્ચર મળી આવતા બાળકો તેની સાથે રમી રહ્યાં હતાં. જ્યારે, તેઓ રોકેટ લોન્ચરને ઘરે લઇને પહોચ્યા ત્યારે તેમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં, એક જ પરિવારના પાંચ બાળકો, બે મહિલાઓ અને બે પુરૂષોના મોત થયા હતાં. બ્લાસ્ટમાં પાંચ લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે, તેમણે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, આ વિસ્તારનો ઉપયોગ હથિયારોની હેરાફેરી માટે કરવામાં આવતો હોવાથી અહીં રોકેટ લોન્ચર મળવું સામાન્ય બાબત છે. સિંધ પ્રાંતના કાર્યવાહક મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમણે રાજ્યના ઇન્સ્પેક્ટર જનરલ પાસેથી આ મામલે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. જ્યારે, કાશમોર જિલ્લામાં આવેલા ઝાંગી સબ્ઝાઇ ગોથ ગામમાં થતી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર ચાંપતી નજર રાખવાનો આદેશ આપ્યો છે.