હિન્દુઓમાં પ્રથમ પૂજનીય એવા વિઘ્નહર્તાનો ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. હજારો ભક્તોએ ગજાનંદ ગણેશજીની પૂજા-અર્ચના કરવા માટે ઘરગણેશના સ્વરૂપે તેની મંગલકારી મૂર્તિની સ્થાપના કરી છે અને સાર્વજનિક પંડાલમાં પણ બાપ્પાને બિરાજમાન કર્યા છે. અમદાવાદ શહેરના 800થી વધુ પંડાલમાં બિરાજમાન દૂંદાળા દેવ સહિતની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન આજે કરવામાં આવશે. આજે મોડી રાત સુધી મ્યુનિ. ફાયર બ્રિગેડ ભાવિક ભક્તોની સુરક્ષા માટે ખડેપગે રહેશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં તેમજ શહેરના અન્ય તળાવમાં મૂર્તિના વિસર્જન માટે કડક મુકાયો છે. આ પ્રતિબંધના પગલે તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરાઈ રહ્યા છે. આ નાના-મોટા કુંડમાં ભક્તજનો મૂર્તિનું વિસર્જન કરી શકે છે. ત્યારે આ વર્ષે પણ પ્રદૂષણ ન ફેલાય તે માટે 52 જેટલા કૃત્રિમ કુંડો બનાવાયા છે. આ ગણેશકુંડ ખાતે શ્રદ્ધાળુઓની સલામતી માટે તેમજ મોટી મૂર્તિઓનું ક્રેન મારફતે કુંડમાં આદરપૂર્વક વિસર્જન થાય તેવા હેતુથી ફાયર બ્રિગેડનો સ્ટાફ તૈનાત રહેશે.
આજે ગણેશ વિસર્જનને લઈ અનેક માર્ગો પર ડાયવર્ઝન અપાયા છે. રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ માર્ગ સહિતના માર્ગો પર ડાયવર્ઝન અપાયા છે. ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદ તહેવાર એક જ દિવસે છે. ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
અમદાવાદ શહેરમાં કોમી એખલાસતા જળવાઈ રહે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. રેપિડ એક્શન ફોર્સ (RAF)ની ટુકડીઓ શહેરમાં તૈનાત છે. શહેરમાં 9 ડીસીપી 77 પીઆઇ 200 જેટલા પીએસઆઇ અને હોમગાર્ડ તેની સાથે આરએએફની ટુકડી અને એસઆરપીની ટીમ પણ શહેરના રસ્તા પર આજે હાજર રહેશે.