આજે પૂર્વ કચ્છમાંથી વધુ એક વખત મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાવા પામ્યો છે. પૂર્વ કચ્છ પોલીસે દરિયા કિનારેથી 80 કિલોથી વધુનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ ડ્રગ્સની કિંમત આશરે 500 કરોડથી વધુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરી પોલીસની કામગીરીના ચાર ચાંદ લગાવી દીધા છે.
દરિયા કિનારેથી બિનવારસી સ્થિતિમાં ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સને એફએસએલમાં તપાસ અર્થે મોકલાતા પ્રાથમિક તપાસમાં કોકેઈન હોવાનું સામે આવ્યું છે. થોડા સમય અગાઉ કચ્છનાં દરિયા કિનારેથી અવાર નવાર ડ્રગ્સનાં પેકેટ BSF ને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવ્યા હતા. ત્યારે બીએસએફ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરી હતી. ગત રોજ પૂર્વ કચ્છ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન પોલીસને બિનવારસી હાલતમાં જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ ડ્રગ્સ કોણે મંગાવ્યું હતું. તે તરફ તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.






