મણિપુરની હિંસા સામાન્ય થવાનું નામ લેતી નથી. રાજ્યમાં સતત નવી નવી ઘટનાઓ સામે આવતી જ રહે છે, ત્યારે ભીડે મુખ્યમંત્રી એન.બીરેન સિંહના ઈમ્પારના પૂર્વમાં લુવાંગસાંગબાન સ્થિત બંધ મકાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે. આ દરમિયાન મકાનમાં પરિવારનું કોઈપણ સભ્ય ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી છે.
પોલીસે જણાવ્યું કે, આ દરમિયાન સુરક્ષાદળોએ આકરી કાર્યવાહી કરી ભીડને વિખેરી દીધી છે. હુમલાના પ્રયાસો બાદ સીએમના ઘરની સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યમાં જુલાઈથી લાપતા થયેલ 2 મૈતેઈ વિદ્યાર્થીઓના મૃતદેહની તસવીરો સામે આવ્યા બાદ ફરી હિંસા ભડકી છે. ઈમ્ફાલમાં ઘણી જગ્યાઓ પ્રદર્શનો થઈ રહ્યા છે. વિરોધ-પ્રદર્શન કરી રહેલા લોકોએ પણ સીએમ આવાસ તરફ માર્ચની યોજના બનાવી છે, પરંતુ સુરક્ષા દળના જવાનો તેમને અટકાવી રહ્યા છે. ઘટનાની ગંબીરતાને ધ્યાને લઈ ઈમ્ફાલ ખીણમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને હિંસક વિરોધ પ્રદર્શનો પણ થયા. હજારો વિદ્યાર્થીઓ 2 યુવકોનું અપહરણ અને હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા.
અધિકારીઓએ જણાવ્યું કે, ઉરીપોક, યૈસકુલ, સગોલબંધ અને ટેરા વિસ્તારમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ થયું, જેના કારણે સ્થિતિ પર કાબુ મેળવવા સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ છોડવા પડ્યા. આ કાર્યવાહી દરમિયાન ડઝથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા, તો ઘણા જવાનો પણ ઈજાગ્રસ્ત થયા.






