કરોડો લોકોના આસ્થાના સાગર અંબાજીના આંગણે ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે. હિન્દુ શાસ્ત્રમાં ભાદરવી પૂનમનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં અંબાજીના આંગણે યોજાઇ રહેલ ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે ત્યારે અંતિમ દિવસે લાખો ભક્તો મા જગદંબાના દર્શનાર્થે ઉમટશે.
અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી દૂર દૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. મોટી સંખ્યમાં સવારની આરતીમાં ભક્તો જોડાયા છે. આજે જિલ્લા કલેક્ટર સહિત વહિવટી તંત્ર માતાજીની ધજા ચડાવશે અને મેળામાં ફરજ બજાવનાર તમામ અધિકારીઓ-કર્મચારીઓનું કલેક્ટર સન્માન કરવામાં આવશે. માતાજીને શીશ ઝુકાવવા માટે માર્ગો પર મોટી સંખ્યામાં પગપાળા સંઘનુ અંબાજી તરફ પ્રયાણ ચાલું છે.
ભાદરવી પૂનમના મેળામાં છઠ્ઠા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું હતું. 6 દિવસમાં 39 લાખથી વધુ માઈભક્તોએ મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 6 દિવસમાં 15 લાખ 9 હજાર પ્રસાદના પેકેટનું વિતરણ અને 216 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું. તેમજ 56 હજાર ચીક્કી પેકેટનું વિતરણ અને 2 હજારથી વધુ ધજાઓનું ધ્વજારોહણ થયું હતું.






