ભક્તોએ 10 દિવસ બાપ્પાની પૂજા અર્ચના કરી ભારે હેયે વિદાય આપી છે ત્યારે સુરતમાં 30 કિલો ચોકલેટનાં ગણપતિનું 90 લિટર દૂઘમાં વિસર્જન કરવામાં આવ્યું. કતારગામમાં રહેતા રોમાબેન છેલ્લા 7 વર્ષથી ચોકલેટની ગણપતિ પ્રતિમાની સ્થાપના કરે છે. ત્યારે આ વર્ષે પણ રોમાબેન પટેલે ચોકલેટના ગણેશજીની ઘરમાં જ સ્થાપના કરી અને વિસર્જન કર્યું છે. ઘરના સભ્યોએ એક એક લોટો દૂધનો ગણેશજી પર રેડીને વિસર્જન કર્યું છે. શ્રીજીની પ્રતિમાનું દૂધમાં વિસર્જન કરીને પ્રસાદ ભાવિકો સાથે ગરીબ બાળકોને આપવામાં આવ્યો હતો.
રોમા પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી અલગ અલગ ડિઝાઇનની ગણેશજીની ચોકલેટની પ્રતિમા બનાવું છું. ચોકલેટના ગણેશજીનું વિસર્જન દૂધમાં કરવાથી ચોકલેટ મિલ્કમાં ફેરવાઈ જાય છે. શ્રીજીની મૂર્તિ દૂધમાં વિસર્જન કર્યા બાદ ચોકલેટ મિલ્ક બની ગયેલા મિશ્રણનો પ્રસાદ ભાવિકોની સાથે સાથે ગરીબ, અનાથ બાળકોમાં પ્રસાદ વહેંચીએ છીએ.
તેમણે બે દિવસની મહેનત કરી ચોકલેટમાંથી ગણપતિ બનાવ્યા હતા. ગણેશજીની પ્રતિમા બનાવવા માટે ડાર્ક ચોકલેટ અને એડીબલ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગણપતિની પ્રતિમા પાઘડી, મોદક, કાનની બુટ્ટી, દાંત સહિતનું આર્ટવર્ક કરવામાં આવ્યું હતું. સુંઢનો પણ વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો.





