રાજ્યના અનેક વિસ્તારોમાં ગુરુવારે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગુરુવારે બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો. ગઢડા શહેરમાં કાળાં ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના જોરદાર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરમાં કાળાં ડિબાંગ વાદળોથી ધોળા દિવસે રાત જેવો માહોલ સર્જાયો હતો.
અમરેલી શહેર બાદ ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ધારીના ચલાલા હૂડલી, જર, મોરજર, છતડિયા સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.
 
			
 
                                 
                                



