એશિયન ગેઇમ્સમાં ભારતનો સુવર્ણ દેખાવ ચાલુ હોય તેમ આજે છઠ્ઠા દિવસે વધુ બે ગોલ્ડ તથા બે સિલ્વર મળીને ચાર મેડલ હાંસલ કર્યા હતા. શુટીંગમાં દમદાર દેખાવ ચાલુ રહ્યો હોય તેમ આજે બંને મેડલ શુટીંગમાં જ મળ્યા હતા આ સાથે ભારતની કુલ મેડલ સંખ્યા 30 પર પહોંચી છે.
શુટીંગમાં આજે ભારતને બે ગોલ્ડ મેડલ મળ્યા હતા. 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતની ખેલાડી પલકે સૌથી વધુ સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જ રીતે ભારતની ઇશાસિંહે પણ જોરદાર દેખાવ કરીને સિલ્વર મેડલ મેળવ્યો હતો.પલકે 242.1 તથા ઇશાએ 239.7નો સ્કોર કર્યો હતો. પાકિસ્તાનની ઇશમાલાએ 218.2નો સ્કોર કરીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. ભારતની ઇશાનો આ ચોથો મેડલ છે. આ સિવાય એર રાઇફલ 50 મીટરની સ્પર્ધામાં ભારતના ઐશ્વર્ય પ્રતાપસિંહ, સ્વપ્નીલ કૌશાલે તથા અખીલ સ્યોરાણાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યા હતા.
ટેનિસમાં ભારતની પુરૂષ ડબલની ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં સાકેત અને રામકુમારની જોડી ચીનની ટીમ સામે હારી જતા ભારતને સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો હતો.દરમ્યાન આજથી એથ્લેટીકસની રમતો શરૂ થઇ રહી છે અને તેમાં 48 ગોલ્ડ મેડલો રહેશે. ભારતનો એથ્લેટીકસમાં દેખાવ દમદાર હોય છે એટલે આ સ્પર્ધામાં મેડલનો વરસાદ થવાનો માનવામાં આવી રહ્યો છે.





