પલક ગુલિયા અને ઈશા સિંહે એશિયન ગેમ્સમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા. બંનેએ એકબીજાને સખત પડકાર આપ્યો અને ટોચના બે સ્થાન મેળવ્યા. ભારતે આ એશિયન ગેમ્સમાં શૂટિંગમાં છ ગોલ્ડ સહિત 17 મેડલ જીત્યા છે. પાકિસ્તાનની તલત કિશ્માલાને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પલકનો આ પહેલો વ્યક્તિગત મેડલ છે. તેણે ફાઇનલમાં 242.1નો સ્કોર કર્યો જે એશિયન ગેમ્સનો રેકોર્ડ છે. બુધવારે 25 મીટર પિસ્તોલમાં વ્યક્તિગત સિલ્વર જીતનારી ઈશા 10 મીટર એર પિસ્તોલ સિલ્વર જીતનારી ટીમનો પણ ભાગ હતી. ઈશાએ વ્યક્તિગત ફાઇનલમાં 239.7નો સ્કોર કર્યો હતો.
ભારતે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (591), સ્વપ્નિલ કુસલે (591) અને અખિલ શિયોરન (587) એ ટીમમાં હતા, જેણે ચીનના પડકારને પાર કર્યો અને 1769નો સ્કોર કર્યો. ચીન 1763 પોઈન્ટ સાથે બીજા ક્રમે, જ્યારે દક્ષિણ કોરિયાને બ્રોન્ઝ મેડલ મળ્યો. ઐશ્વર્યા અને સ્વપ્નીલે પણ ક્વોલિફિકેશનમાં પ્રથમ અને બીજા ક્રમે રહીને વ્યક્તિગત કેટેગરીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાંચમા સ્થાને હોવા છતાં, અખિલ ફાઇનલમાં પ્રવેશ કરી શક્યો ન હતો કારણ કે આઠ ટીમોની ફાઇનલમાં એક દેશમાંથી માત્ર બે જ સ્પર્ધકો ભાગ લઈ શકે છે.
આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની આશા ધરાવતા સ્વપ્નીલે ક્વોલિફિકેશનમાં 591 સ્કોર કરીને એશિયન રેકોર્ડ તોડ્યો હતો. ઐશ્વર્યાનો પણ આટલો જ સ્કોર હતો, પરંતુ વધુ ઇનર 10 ફટકારવાને કારણે સ્વપ્નિલ ટોપ પર રહ્યો હતો. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ટીમ કેટેગરીમાં 18 વર્ષની ઈશા (579), પલક (577) અને દિવ્યા ટીએસ (575)નો કુલ સ્કોર 1731 હતો. ચીને 1736 પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો, જે એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ છે. ચાઈનીઝ તાઈપેઈને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ઈશાએ મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે ઈશા, મનુ ભાકર અને રિધમ સાંગવાને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.





