મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ નાજુક બનતી જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓએ બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, આરોપીઓને મહત્તમ સજા સુનિશ્ચિત કરવામાં આવશે. આ દરમિયાન તેમની ધરપકડના વિરોધમાં ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) સહિત અન્ય આદિવાસી સંગઠનોએ સોમવાર, 2 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી ચૂરાચંદપુર જિલ્લામાં સંપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. સ્થિતિને જોતા મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 6 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, CBIએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની પત્ની સહિત ચારેયને સ્પેશિયલ ફ્લાઈટમાં રાજ્યની બહાર લઈ જવામાં આવ્યા છે. મણિપુરના માન્ય આદિવાસી જૂથ ITLF એ ધરપકડના વિરોધમાં સોમવારે સવારે 10 વાગ્યાથી ચુરાચંદપુર જિલ્લામાં અનિશ્ચિત હડતાળનું આહ્વાન કર્યું હતું અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓને 48 કલાકની અંદર મુક્ત કરવામાં આવે. ચુરાચંદપુર સ્થિત જોઈન્ટ સ્ટુડન્ટ બોડી (JSB) એ પણ સોમવારે સવારે 6 વાગ્યાથી જિલ્લામાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.






