વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટી ઓફિસમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠકમાં રાજસ્થાન માટે 54 ઉમેદવારના નામ પર મોહર લગાવવામાં આવી છે. રાજસ્થાનની 6 વિધાનસભા બેઠકો પર સાંસદોને ઉમેદવાર બનાવવામાં આવી શકે છે.
કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠકમાં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની બીજી યાદી અને રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પ્રથમ યાદી પર પણ મોહર લાગી શકે છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં મળેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, દેવેન્દ્ર ફડણવીસ અને બીએસ યેદિયુરપ્પા સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના અન્ય સભ્ય હાજર રહ્યાં હતા.
રાજસ્થાનના ઉમેદવારોના નામ પર ચર્ચા માટે પાર્ટી હાઇકમાન દ્વારા બનાવવામાં આવેલા રાજસ્થાનના ચૂંટણી પ્રભારી પ્રહલાદ જોશી, રાજસ્થાનના પ્રભારી અરૂણ સિંહ અને રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સીપી જોશી, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિંયા, કૈલાશ ચૌધરી, રાજેન્દ્રસિંહ રાઠૌડ, અર્જુન રામ મેઘવાલ અને ગજેન્દ્રસિંહ શેખાવત સહિત રાજસ્થાન ભાજપ કોર ગ્રુપમાં સામેલ અન્ય નેતા પણ પાર્ટી ઓફિસમાં હાજર રહ્યાં હતા. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પહેલા અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ પાર્ટી નેતાઓ સાથે બેઠક કરીને ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી. મહત્ત્વપૂર્ણ છે કે રાજસ્થાન અને છત્તીસગઢ સહિત આ વર્ષના અંતમાં પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.





