આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહના ઘરે ઇડીના દરોડા પડ્યા છે. સંજય સિંહના ઘરે તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.બુધવાર સવારે ઇડીની ટીમ સંજય સિંહના ઘરે સર્ચ કરવા માટે પહોંચી છે. જોકે, હજુ સુધી આ સ્પષ્ટ નથી થયું કે ઇડીએ આ રેડ કઇ ઘટનામાં કરી છે.
સંજય સિંહના ઘરે એક્સાઇઝ પોલિસીના કેસને લઇને દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ઇડીએ પોતાની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે લીકર નીતિ કૌભાંડના આરોપી બિઝનેસમેન દિનેશ અરોરાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ઘરે મુલાકાત કરી હતી. આ બેઠકમાં સંજય સિંહ પણ હાજર હતા. આ પહેલા પણ આમ આદમી પાર્ટીના તમામ નેતા તપાસ એજન્સીના રડાર પર આવી ચુક્યા છે. EDએ મની લૉન્ડ્રિંગ કેસમાં ગત વર્ષે મેમાં આપ સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. જોકે, હજુ તે બીમારીને કારણે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન પર છે.
દિલ્હી લીકર નીતિમાં કૌભાંડના આરોપમાં સીબીઆઇએ આ વર્ષે ફેબ્રુઆરીમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. તે પછી લીકર નીતિ કૌભાંડમાં મની લૉન્ડ્રિંગની તપાસ કરી રહેલી ઇડીએ તેમની ધરપકડ કરી હતી. સિસોદિયા જેલમાં બંધ છે.






