દિલ્હી પોલીસે કરેલા ચોંકાવનારા ખુલાસા બાદ ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. 24 સપ્ટેમ્બર 2002ના રોજ ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં આંતકી હુમલો થયો હતો, જેમાં પાકિસ્તાનમાં રહેતો પરતુલ્લાહ ગૌરી માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું હતું. પરતુલ્લાહ ગૌરી અને તેનો જમાઈ શાહિદ ફૈઝલ પાકિસ્તાનમાં આઈએસઆઈએસની સુરક્ષામાં છે. શાહનવાઝ તેઓના ઈશારે કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. શાહનવાઝે અમદાવાદમાં ઘણી બધી જગ્યાઓ પર રેકી કરી હતી. આ સિવાય વડોદરા, સુરત અને ગાંધીનગરમાં પણ રેકી કરીને આઈઈડી બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. શાહનવાઝનું ગુજરાત અને અમદાવાદ કનેક્શન સામે આવતાની સાથે જ ગુજરાત એટીએસની ટીમ તપાસમાં જોડાઈ છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની ટીમે ISIS પુણે મોડ્યુલના સાત લોકોની ધરપકડ કરી હતી. આ દરમિયાન ત્રણ આતંકીઓ પોલીસ કસ્ટડીમાંથી ભાગીને દિલ્હીમાં છુપાઈ ગયા હતા, જેમાંથી એક શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાં હતો. દિલ્હી પોલીસે NIAના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહનવાઝની ધરપકડ કરી છે, તેની સાથે વધુ બે આતંકીઓ રિઝવાન અને અરશદની પણ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની જણાવ્યા અનુસાર શાહનવાઝ ISIS મોડ્યુલ એટલે કે ઈસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલો છે. તે ઉત્તર ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો.





