ભારત-પાકિસ્તાન વચ્ચે 14મી ઓક્ટોબરે વર્લ્ડકપ 2023નો ગ્રૂપ સ્ટેજનો મુકાબલો ખેલાશે. ક્રિકેટનો આ મુકાબલો ભારત અને પાકિસ્તાનમાં રહેતા બે પરિવારોની મુલાકાતનું કારણ બની રહેશે. પાકિસ્તાનના ક્રિકેટરની બે વર્ષની પુત્રી પહેલીવાર તેના 63 વર્ષીય ભારતીય નાનાજીને મળશે. લિયાકત ખાન અને તેનો પરિવાર ભારે આતુરતાથી 14મી ઓક્ટોબરનો ઈંતજાર કરી રહ્યો છે.
હરિયાણાના નુહ જિલ્લાના ચંદેની ગામમાં રહેતા નિવૃત્ત બ્લોક વિકાસ અધિકારી લિયાકત ખાનની પુત્રી સામિયાએ પાકિસ્તાનના ફાસ્ટ બોલર હસન અલી સાથે વર્ષ 2019માં દુબઈમાં લગ્ન કર્યા હતા. લગ્ન પછી સામિયા ચાર વર્ષ દરમિયાન ક્યારેય ભારત આવી શકી નથી. લિયાકત ખાને કહ્યું કે, જ્યારે મારી દોહિત્રીનો જન્મ થવાનો હતો, ત્યારે મારી પત્ની પાકિસ્તાન ગઈ હતી. હવે અમે ફરી વખત કદાચ અમદાવાદમાં મળી શકીએ તેવી આશા છે. હું મારી દોહિત્રીને પહેલીવાર જોવા માટે ઉત્સુક છું.
નોંધપાત્ર છે કે, ભારે અનિશ્ચિતતા બાદ લિયાકત ખાનના પરિવારને ઘરઆંગણે તેમની પુત્રી અને દોહિત્રી સાથેની મુલાકાતની તક સાંપડી છે. કારણ કે હસન અલીને તો પાકિસ્તાને વર્લ્ડકપની ટીમમાં સામેલ કર્યો જ ન હતો. જોકે અચાનક જ નસીમ શાહ ઈજાગ્રસ્ત બન્યો અને હસન અલીનું નસીબ ચમકી ગયું અને તેને પાકિસ્તાનની ટીમમાં તક મળી હતી.






