મુંબઈના ગોરેગાંવમાં ગઈકાલે ગુરુવારે રાત્રે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ગોરેગાંવમાં આઝાદનગરમાં આવેલ સમર્થ નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. 30થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 2 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. આ આગ ગુરુવારે રાત્રે લગભગ 2:30 વાગ્યાથી 3:00 વાગ્યાની વચ્ચે લાગી હતી.
બિલ્ડીંગના પાર્કિંગ એરિયામાં પાર્ક કરેલ 4 કાર અને 30થી વધુ બાઈક સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા છે. ફાયરબ્રિગેડની 10થી વધુ ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો છે અને કૂલિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ આપેલ જાણકારી અનુસાર બિલ્ડીંગના પાર્કિંગમાં ખૂબ જ જૂના કપડા હતા, જેમાં આગ લાગવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાર્કિંગમાં આગ લાગતા ઈમારતનો પહેલો અને બીજા માળ આગની ચપેટમાં આવી ગયો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.