ગત 22-09-2023ના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં ચાલતા સ્પા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા મામલે ક્રાઇમ બ્રાંચ, મહિલા ક્રાઇમ, AHTU અને સ્થાનિક પોલીસે શહેરના 200 જેટલા સ્પામાં ચેકીંગ કર્યું હતું. આ દરમિયાન 24 સ્પા સંચાલકોએ આ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવતા તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સ્પાની આડમાં ચાલતા દુષણો રોકવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા દર અઠવાડિયે શહેરના વિવિધ સ્પામાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે.
આ જાહેરનામામાં કહેવાયું હતું કે શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગીક વિસ્તારોમાં સ્પા/ મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવેપાર તથા અન્ય ગેરકાયદે કૃત્યો ચલાવતા હોવાનું જણાઇ આવેલ છે. કેટલાક અસામાજીક તત્વો આવા સ્પા/મસાજ પાર્લર ની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરતા હોવાનું જણાઇ આવેલ છે. જેથી સ્પા/ મસાજ પાર્લરોની આડમાં ગુન્હાહીત કૃત્યો અટકાવવા સારૂ સ્પા/મસાજ પાર્લરોની માહીતી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન પાસે હોવી જરૂરી છે.
આથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો અથવા સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સંપુર્ણ વિગત સંબધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે. આ જાહેરનામા સાથે સ્પા માલિકો-સંચાલકોએ તેમના વિસ્તારમા આવેલા પોલીસ સ્ટેશનમાં રજૂ કરવાની માહિતીનો કોરો નમૂનો પણ આપવામાં આવ્યો હતો.