ભારતમાં વર્લ્ડકપ 2023 રમાઇ રહ્યો છે. 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો રમાવાનો છે. આ મુકાબલાને જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર સહિતના સ્ટાર હાજર રહેશે.
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની દર્શકોની ક્ષમતા 1 લાખ 32 હજાર જેટલી છે અને તેમાંથી મેચ દરમિયાન 20થી 25% વીવીઆઇપી હાજર રહી શકે છે. વીવીઆઇપી મુવમેન્ટને લઇને અમદાવાદ એરપોર્ટ પર 200થી વધુ ચાર્ટર્ડ પ્લેન ઉતરી શકે છે.
આ પહેલા બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર સહિતના સ્ટારને બીસીસીઆઇએ ગોલ્ડન ટિકિટ આપી છે. ગોલ્ડન ટિકિટ એક રીતે વીઆઇપી પાસ હોય છે જે કેટલાક પસંદગીના લોકોને જ આપવામાં આવે છે એને જેને ગોલ્ડન ટિકિટ મળે છે તે વર્લ્ડકપની મેચની મફતમાં મજા માણી શકે છે. સ્ટેડિયમમાં તેને અલગ અલગ રીતની વીઆઇપી સુવિધાઓ પણ આપવામાં આવે છે. આ આયોજક દેશના સમ્માનના હિસાબથી પસંદગીના લોકોને જ આપવામાં આવે છે.
ભારત-પાકિસ્તાન મેચને લઇને હાઇ સિક્યુરિટી
અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની મેચને લઇને હાઇ સિક્યુરિટી ગોઠવવામાં આવી છે.આ મેચ માટે ગુજરાત પોલીસ, એનએસજી, આરએએફ અને હોમ ગાર્ડ સહિત વિવિધ એજન્સીઓના 11 હજારથી વધુ કર્મીઓ હાજર રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવવાની ધમકી પછી ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુસાર, ‘અમદાવાદમાં છેલ્લા 20 વર્ષમાં શહેરમાં રમાયેલી ક્રિકેટ મેચ દરમિયાન ક્યારેય સાંપ્રદાયિક હિંસા જોવા મળી નથી પણ સાવચેતીના ભાગ રૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવશે.’