ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા મૂળ મધ્યપ્રદેશના અને રાજકોટમાં રહેતા કરણ માળીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કરણ માળી વીડિયો બ્લોગર છે અને માત્ર મજા લેવા માટે સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ બાદ તેની પાસેથી લેપટોપ સહિતના વિવિધ સાધનો જપ્ત કર્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ભારત-પાકિસ્તાન મેચને કારણે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલમાં ચર્ચાનું કેન્દ્ર છે. મેચના દિવસે ક્રિકેટર્સની સાથે અમદાવાદમાં દેશ-વિદેશના જાણીતા લોકો પણ મોટી સંખ્યામાં હશે. જેથી દેશની સુરક્ષા એજન્સીઓ અત્યારે એલર્ટ મોડમાં છે. સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારા ઇ-મેઇલની તપાસ નેશનલ એજન્સીની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી હતી. જેમાં એજન્સીઓની તપાસ રાજકોટમાં રહેતા અને વીડિયો બ્લોગર તરીકે કામ કરતા એક વ્યક્તિ સુધી પહોંચી હતી અને ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો.
આ પહેલા એનઆઈએને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઇ-મેઇલ કરાયો હતો. જેમાં ધમકી આપનાર વ્યક્તિએ સરકાર પાસેથી 500 કરોડની માગ કરી હતી, ઉપરાંત અત્યારે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરી દેવાની માગ કરી હતી. ધમકીને પગલે રાજ્યની સુરક્ષા એજન્સીની સાથે રાજ્ય પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી.