વન-ડે ક્રિકેટ વર્લ્ડકપના તા.14ને શનિવારે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારા હાઈવોલ્ટેજ મુકાબલા માટે જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સુરક્ષા કિલ્લેબંધી જેવા બંદોબસ્તમાં ત્રણ ‘હીટ ટીમ’ પણ તૈનાત કરાશે. ઉપરાંત એક એન્ટી-ડ્રોન ટીમ તથા નવ બોંબ ડીસ્પોઝલ સ્કવોડને તૈનાત રખાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ક્રિકેટ જગતની સૌથી કટ્ટર હરિફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી શનિવારે મેચ યોજાવાનો છે.
માત્ર ભારત-પાકિસ્તાન જ નહીં, સમગ્ર ક્રિકેટ વિશ્ર્વમાં તેનો રોમાંચ અને ઉત્સુકતા છે. દેશવિદેશના સેલીબ્રીટીઓ પણ આ મેચ જોવા ઉમટી પડવાનું સ્પષ્ટ છે. મેચ દરમ્યાન ત્રાટકવા તથા સ્ટેડીયમને બોંબથી ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે આયોજન હોવાથી સલામતીના જડબેસલાક પગલા લેવામાં આવનાર છે. 11000થી વધુ પોલીસ સુરક્ષા જવાનોનો કાફલો તૈનાત થશે.અ
મદાવાદના પોલીસ કમિશ્ર્નર જી.એસ.મલિકે કહ્યું કે છેલ્લા 20 વર્ષોમાં અમદાવાદમાં રમાયેલા મેચો દરમ્યાન કયારેય કોમી તોફાન કે તનાવ સર્જાયા નથી છતાં સાવચેતીના પગલારૂપે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવશે. તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદી સ્ટેડીયમની ક્ષમતા સવા લાખથી વધુ દર્શકોની છે. ભારત-પાક જેવી કટ્ટર હરિફ ટીમોની ટકકર હોવાના કારણે સ્ટેડીયમ હાઉસફુલ રહેવાનું સ્પષ્ટ છે. લાખથી વધુ લોકોની હાજરી ઉપરાંત સેંકડો વીઆઈપી-મહાનુભાવો આવવાના હોવાથી સુરક્ષા એકશન પ્લાન અગાઉથી જ તૈયાર કરાયો છે. ઈ-મેઈલથી અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા તાજેતરમાં જ ધમકી આપવામાં આવી છે તેને ધ્યાને રાખીને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે.
7000થી વધુ પોલીસ જવાનો મેચ દરમ્યાન સ્ટેડીયમમાં તૈનાત રહેશે. ઉપરાંત સંવેદનશીલ તથા શહેરના અન્ય ભાગોમાં સુરક્ષા માટે 4000થી વધુ હોમગાર્ડ જવાનોને ફરજમાં રાખવામાં આવશે. સુરક્ષા જવાનો ઉપરાંત ત્રણ હીટ ટીમ પણ તૈનાત કરવામાં આવશે. એનએસજીની એક એન્ટી-ડ્રોન ટીમ હશે. ઉપરાંત બોંબ શોધવા તથા ડીફયુઝ કરતી 9 બોંબ ડિસ્પોઝલ સ્કવોડ રહેશે. શનિવારના મેચને ધ્યાને રાખીને ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તૈયારી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવો ન બને તે માટે તમામ પગલા લેવાની સૂચના આપવામાં આવી હતી. રાજયના પોલીસવડા વિકાસ સહાય પણ સમીક્ષા બેઠકમાં હાજર હતા.
ભારત-પાકની સુરક્ષા બંદોબસ્તમાં ચાર ડીજી કક્ષાના સીનીયર અધિકારીઓ તૈનાત રહેશે. ઉપરાંત 21 ડીસીપી રેન્કના અધિકારીઓ ફરજમાં હાજર રહેશે. એસઆરપીની 13 કંપની ઉપરાંત રેપીડ એકશન ફોર્સની 3 કંપનીઓને પણ ફરજમાં રાખવામાં આવશે. રેપીડ એકશન ફોર્સની ટીમો સંવેદનશીલ ભાગોમાં તૈનાત રહેશે. મેચ દરમ્યાન ગમે તેવી સંભવિત કટોકટીની સ્થિતિમાં એનડીઆરએફ તથા એસડીઆરએફની પણ મદદની તૈયારી રાખવામાં આવી છે અને આ ટીમોને શહેરમાં જ તૈનાત રખાશે.