‘ગદર-2’ની બ્લોકબસ્ટર સફળતા પછી, દરેક જગ્યાએ ફક્ત તારા સિંહની જ વાત થઈ રહી છે. જો કે, હવે ફિલ્મમાં તારા સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા સની દેઓલના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. જણાવી દઈએ કે, હાલ ડાયરેક્ટર નીતીશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ વિશે ચર્ચા થઈ રહી છે. ફિલ્મને લઈને દરરોજ નવા-નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. ફિલ્મમાં રામ અને સીતાના રોલ બાદ હવે રામ ભક્ત હનુમાનના રોલનો પણ ખુલાસો સામે આવ્યો છે. તાજેતરના મીડિયા અહેવાલો મુજબ, ગદરના તારા સિંહ એટલે કે સની દેઓલ હવે રામાયણમાં હનુમાનજીની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે.
હનુમાનજીના રોલમાં જોવા મળશે તારા સિંહ!
સની દેઓલની ઇમેજ બોલિવૂડમાં એક એક્શન હીરો અને શક્તિશાળી અભિનેતા તરીકેની છે. કદાચ આ જ કારણ છે કે ભગવાન બજરંગબલીની ભૂમિકા માટે નીતિશ તિવારીએ તેમની રામાયણ માટે સની દેઓલને હનુમાનજીનો રોલ ઑફર કર્યો છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો સની દેઓલે પણ આ પાત્રમાં પોતાનો રસ દર્શાવ્યો છે. જો કે, વાતચીત હજુ પ્રાથમિક તબક્કામાં છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં રણબીર કપૂર રામની ભૂમિકામાં જોવા મળી શકે છે, જ્યારે સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવતી જોવા મળી શકે છે. દરમિયાન, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ગદર-2’ની બ્લોકબસ્ટર સફળતા બાદ હવે સની પાજી રામાયણમાં હનુમાનની ભૂમિકા ભજવતા અને ગદા ઉપાડતા જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થઈ શકે છે.
સની દેઓલની વાત કરીએ તો તેણે આ પહેલા ક્યારેય પૌરાણિક પાત્ર ભજવ્યું નથી. તારા સિંહ અને સકીનાની પ્રેમ કહાની 2001ની બ્લોકબસ્ટર એક્શન રોમાન્સ ફિલ્મ ‘ગદર-એક પ્રેમ કથા’માં બતાવવામાં આવી હતી. જો કે, ફિલ્મ નિર્દેશક અનિલ શર્માએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે આ ફિલ્મ વાસ્તવમાં ‘રામાયણ’થી પ્રેરિત છે. આ વર્ષે અનિલ શર્માએ ફિલ્મની સિક્વલ ગદર 2ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગદરનો પહેલો ભાગ ‘રામાયણ’થી પ્રેરિત હતો, જે રીતે રામજી સીતાજીને પરત લાવવા લંકા જાય છે. તેનાથી પ્રેરિત થઈને તારા સિંહ પોતાની પત્ની સકીનાને લેવા પાકિસ્તાન ગયા હતા. તેમણે કહ્યું હતું કે, મને લાગ્યું કે આ રામાયણ છે, આ વાર્તા ફ્લોપ નહીં થાય કારણ કે તે લોકોના હૃદયમાં વસે છે.