કેન્દ્રીય ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં 9 ઓક્ટબરે ચૂંટણીનું તારીખો જાહેર કરી હતી. ત્યારે આજે બુધવારે રાજસ્થાનમાં ચૂંટણી પંચે મતદાનની તારીખ બદલી છે. રાજસ્થાનમાં 23 નવેમ્બરના બદલે હવે 25 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. જોકે, મતગણતરી 3 ડિસેમ્બરે જ હાથ ધરાશે.
ભાજપના ધારાસભ્યએ આ દિવસે દેવ ઉઠની એકાદશી અને રાજ્યમાં 50 હજાર લગ્નોના આયોજનની વાતના આધારે તેમણે ચૂંટણી પંચને ભલામણ કરી હતી કે મતદાન તારીખમાં ફેરફાર કરવામાં આવે. ચૂંટણી પંચે જણાવ્યું કે, 23 નવેમ્બરે રાજ્યમાં મોટાપાયે લગ્નના કાર્યક્રમો છે. આ ઉપરાંત સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન થવાનું છે. તેને જોતા અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ મતદાનની તારીખ બદલવાની અપીલ કરી હતી. તેને ધ્યાનમાં રાખીને અમે મતદાનની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.
રાજસ્થાનમાં વિધાનસભાનો કાર્યકાળ 14 જાન્યુઆરી 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. રાજ્યની 200 બેઠકો પર મતદાન થશે. 2018માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે રાજ્યમાં સરકાર બનાવી અને અશોક ગેહલોત મુખ્યમંત્રી બન્યા. ત્યારે હવે 25 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. નોંધનીય છે કે, રાજસ્થાનમાં દર પાંચ વર્ષ સરકાર બદલવાની પરંપરા છે. જેના પગલે આ વખતે ભાજપની સરકાર બનશે તેમ રાજકીય નિષ્ણાતોમાં ચર્ચાઈ રહ્યું છે.