ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ પણ ઇન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મ Xની જેમ એક મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની ટૂંક સમયમાં X જેવું જ ટ્રેન્ડિંગ ટોપિક્સ ફીચર રજૂ કરે તેવી શક્યતાઓ છે, જે યુઝર્સને થ્રેડ પર શું ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો શું વાત કરી રહ્યા છે તે અંગેની માહિતી આપશે.
થ્રેડ્સ આપી શકે છે X ને ટક્કર!
મેટાનું ટેક્સ્ટ-આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, થ્રેડ્સ, આ વર્ષે જુલાઈમાં શરૂ થયું હતું અને તેનો ઉદ્દેશ્ય X (તે સમયે ટ્વિટર)ને સખત સ્પર્ધા આપવાનો હતો. એપને લોન્ચ થયાના 5 દિવસમાં જ લાખો ડાઉનલોડ્સ મળ્યા હતા અને જે લોકો પહેલાથી જ Instagramનો ઉપયોગ કરી રહ્યા હતા, તેઓને સરળતાથી થ્રેડ્સ એકાઉન્ટ બનાવવાની મંજૂરી મળી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, થ્રેડ્સ એ Xને સંપૂર્ણ પણે રિપ્લેસ કરી દેશે, કારણ કે એપ્લિકેશન એવા સમયે લોન્ચ કરવામાં આવી હતી જ્યારે વપરાશકર્તાઓ વિવિધ કારણોસર માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Xથી નાખુશ હતા. જો કે, ઇન્સ્ટાગ્રામના સીઇઓ એડમ મોસેરીએ પાછળથી કહ્યું હતું કે, થ્રેડ્સનો ધ્યેય Xને બદલવાનો નથી, પરંતુ ‘લેસ એંગ્રી’ પ્લેટફોર્મની શોધમાં રહેલા વપરાશકર્તાઓ માટે વિકલ્પ પૂરો પાડવાનો છે.
થ્રેડ્સનું નવું ફીચર
મીડિયા અહેવાલ મુજબ, મેટા કર્મચારીએ આકસ્મિક રીતે એક સ્ક્રીનશૉટ પોસ્ટ કર્યો જે આગામી ફેરફારને જાહેર કરે છે. આ ફીચર ટ્રેન્ડિંગ ટોપિક્સ નો છે, જે યુઝર્સને થ્રેડ્સ પર શું ટ્રેન્ડ કરી રહ્યું છે અને લોકો શું વાત કરી રહ્યા છે તેનો ખ્યાલ આપશે. આવનારી સુવિધા સર્ચ બારની નીચે સંખ્યાત્મક ક્રમમાં વિષયોને ક્રમ આપી શકે છે. ઉપરાંત, તે દરેક વિષયની પોસ્ટ્સની સંખ્યા પણ બતાવશે. હાલમાં X માં, વપરાશકર્તાઓને તે ટ્રેન્ડિંગ વિષયો વિશે માહિતી આપવામાં આવે છે જેના વિશે લોકો વાત કરી રહ્યા છે.