પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી જનાર આરોપી મેહુલ ચોકસી સામે અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં 2017માં IPCની કલમ 406, 420 અને 34 અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. મેહુલ ચોકસી ગીતાંજલિ જેમ્સ એન્ડ જ્વેલર્સનો તત્કાલીન પ્રમોટર અને ડિરેક્ટર હતો. જેને ઉપરોક્ત ફરિયાદ રદ્દ કરવા એડવોકેટ સલીલ ઠાકોર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે જજ સંદીપ ભટ્ટે આ અરજી ડીસમિસ કરી હતી.
આ કેસમાં આરોપીઓ દ્વારા એક મહિલાને ફ્રેંચાઇઝી દ્વારા નાણાંનું રોકાણ કરાવીને શો રૂમ બંધ કરી દેવાયો હતો. જેમાં ફ્રેંચાઈઝીના ડિરેક્ટર દિગ્વિજય જાડેજા અને ગીતાંજલીના ડિરેક્ટર મેહુલ ચોકસી સહિત અન્ય આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી. જોકે બાદમાં ફરિયાદી અને અરજદાર વચ્ચે સમાધાન થતાં આ ફરિયાદ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.ગીતાંજલી જેમ્સ એન્ડ જ્વેલર્સ ફ્રેંચાઇઝી દ્વારા દર મહિને 5 હજાર રૂપિયાના હપ્તા ભરીને 12 મહિના બાદ સોનું અને ડાયમંડ આપવાની લોકોને આકર્ષક સ્કીમ જણાવતો હતો. ફરિયાદીના ઘરે ગીતાંજલીની ફ્રેંચાઇઝી એવી દિવ્ય નિર્માણ જ્વેલરીનો કર્મચારી ગયો હતો. જેને ફરિયાદીને તમન્ના કાર્ડ આપી બે સ્કીમ આપી હતી. એક સ્કીમના 5 હજાર લેખે 10 હજાર રૂપિયાના હપ્તા નક્કી કરવામાં આવ્યા હતા. તે વ્યક્તિ સમયાંતરે આવીને હપ્તા લઈ જતો હતો.