ઈઝરાયેલના વળતા હુમલામાં ગાઝાની હાલત કફોડી બની રહી છે. અહીંયા વીજળી સપ્લાય તો ઠપ થઈ ગયો છે અને હવે પાણીનુ સંકટ લોકો પર મંડરાઈ રહ્યું છે. ઈઝરાયેલનું સ્પષ્ટ પણે કહેવું છે કે, પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. ઈઝરાયેલના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે, જ્યાં સુધી હમાસના આતંકીઓ ઈઝરાયેલના નાગરિકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં વીજળી પાણી અને ફ્યૂલનો સપ્લાય શરુ કરવામાં નહીં આવે.
ઈઝરાયેલના લોકોની ઘર વાપસી નહીં થાય ત્યાં સુધી ગાઝાને ઈલેક્ટ્રિસિટી પૂરી પાડવા માટેની સ્વિચ ઓન નહીં થાય. પાણીની પાઈપનો વાલ્વ ખોલવામાં નહીં આવે અને ફ્યૂલ ભરેલી કોઈ પણ ટ્રક ગાઝામાં નહીં પ્રવેશે. અમને માનવતાવાદ અને નૈતિકતાનો ઉપદેશ કોઈએ આપવાની જરુર નથી. હમાસના આતંકીઓએ ગત શનિવારે ગાઝા પર હુમલો કરીને હત્યાકાંડ આચર્યો હતો અને એવું મનાય છે કે, 150 ઈઝરાયેલી નાગરિકોને તેઓ બંધક બનાવીને ગાઝામાં લઈ ગયા છે. હવે ઈઝરાયેલ તેમને છોડાવવા માટે વીજળી પાણીનો સપ્લાય બંધ કરીને હમાસ પર દબાણ કરી રહ્યું છે. ગાઝામાં વીજળીના અભાવે હોસ્પિટલો પણ મડદાઘરમાં ફેરવાઈ જાય તેવી સ્થિતિ છે. વીજળીના અભાવે હોસ્પિટલમાં દાખલ અને ઓક્સિજન પર હોય તેવા દર્દીઓ, નવજાત બાળકો, કિડનીના દર્દીઓ દમ તોડી દે તેવી સંભાવના છે.