ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધનો 10મો દિવસ છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે હમાસનો ખાત્મો જરૂરી છે પરંતુ ગાઝા પર કબ્જો ઇઝરાયેલની મોટી ભૂલ હશે. જો બાઇડને કહ્યું- હમાસે બર્બરતા કરી છે. આ સંગઠનને ખતમ કરવું જરૂરી છે. પરંતુ પેલેસ્ટિનિયન લોકો માટે પણ એક દેશ હોવો જોઈએ, અલગ સરકાર હોવી જોઈએ. જો ઈઝરાયેલ ગાઝા પર કબજો જમાવી લે તો તે મોટી ભૂલ ગણાશે.
જો બાઇડને ભાર આપ્યો કે, ઇઝરાયેલ યુદ્ધના નિયમો અનુસાર કાર્ય કરશે અને નિર્દોષ નાગરિકોને દવા, ભોજન અને પાણી પહોંચાડશે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેમનું માનવું છે કે ઇઝરાયેલે લાંબા સમય સુધી વિસ્તારને નિયંત્રિત ના કરવો જોઇએ, તેની જગ્યાએ વિસ્તારને “પેલેસ્ટિનિયન ઓથોરિટી” દ્વારા સંચાલિત કરવું જોઇએ. બાઇડને કહ્યું, “મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે, મારા વિચારથી ગાઝામાં જે થયું, તે હમાસ છે અને જે તમામ પેલેસ્ટાઇનના લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતું.” પેલેસ્ટાઇનના અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં 2600થી વધુ લોકો માર્યા ગયા છે. મહત્ત્વપૂર્ણ છે કે 1967ના મધ્ય પૂર્વ યુદ્ધમાં ઇઝરાયેલે વેસ્ટ બૈંક, ગાઝા અને પૂર્વી જેરૂસલેમ પર કબજો કરી લીધો હતો.
ઇરાનને પણ ચેતવણી આપી
બાઇડને ઇરાનને પણ ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઇરાન આ યુદ્ધને વધારવાનું કામ ના કરે. આ પહેલા ઇરાનના વિદેશ મંત્રી હોસૈને ચેતવણી આપતા કહ્યું હતું કે તેમનો દેશ કાર્યવાહી કરી શકે છે, તેમણે કહ્યું હતુ કે ઇરાન માત્ર સુપરવાઇઝર બની રહેવા માંગતું નથી, તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો યુદ્ધ વધ્યુ તો અમેરિકાને પણ ઘણુ નુકસાન થશે.