એક સૈનિકનું કામ દુશ્મનોનો ખાત્મો બોલાવવાનું હોય છે પણ ઝારખંડમાં સુરક્ષા દળોનો માનવીય ચહેરો બહાર આવ્યો છે. દર્દથી કણસતા નિ:શસ્ત્ર નકસલીને તેના સાથીઓ છોડીને ભાગી ગયા હતા. જયારે સુરક્ષાદળોના જવાનોના ધ્યાનમાં દર્દથી કણસતો નકસલી ધ્યાનમાં આવતા તેના પર વાર કરવાને બદલે સારવાર કરી.
સુરક્ષાકર્મીઓએ ઘાયલ નકસલીને ખભા પર નાખીને પાંચ કિલોમીટર ચાલીને પોતાના કેમ્પમાં લઈ આવ્યા હતા જયાં ડોકટરોએ તેને પ્રાથમીક સારવાર આપી હતી. બાદમાં બહેતર સારવાર માટે નકસલીને હેલિકોપ્ટરમાં લઈ જઈ રાંચીની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. નકસલીઓ સામેના અભિયાનમાં ચાર જવાનો શહીદ થઈ ચૂકયા છે તેમ છતાં ઘાયલ નકસલી પ્રત્યે માનવતા દેખાડીને જવાનોએ સૌ કોઈના દિલ જીતી લીધા છે.