ઇઝરાયલ અને હમાસ વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે ઘણા નિર્દોષ ઈઝરાયેલને બંધક બનાવ્યા છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધ પર સામાન્ય માણસથી લઈને સ્ટાર્સ સુધી દરેક પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.
હમાસ દ્વારા નાગરિકોને બંધક તરીકે લેવાની દરેક જગ્યાએ નિંદા કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા, ‘ફૌદા’ સિરીઝમાં ‘ડોરોન કેવેલિયોં’નું પાત્ર ભજવનાર ઇઝરાયેલના અભિનેતા લિઓર રાઝે યુદ્ધની વચ્ચેનો એક લાઇવ વીડિયો શેર કર્યો હતો. હવે ફૌદા સિરીઝની મુખ્ય અભિનેત્રી રોના-લી શિમોને તેની પ્રતિક્રિયા વ્યક્ત કરી અને તેના દેશ પરના આતંકવાદી હુમલાની નિંદા કરી. એટલું જ નહીં તેણે ભારતનો આભાર માન્યો છે.
‘ફૌદા’ એક્ટ્રેસે હમાસ-ઈઝરાયેલ યુદ્ધ પર આ કહ્યું-
ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં જ્યારે ઇઝરાયલની રહેવાસી અને સીરિઝ ‘ફૌદા’માં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલી રોના લી શિમોનને પૂછવામાં આવ્યું કે, શું તે હમાસ સામે યુદ્ધ માટે તૈયાર છે, ત્યારે અભિનેત્રીએ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરીને કહ્યું કે, “હું ઇઝરાયલની જીત માટે મારાથી બને તેટલું કરીશ.” અમે એવા યુદ્ધની વચ્ચે છીએ જેના પરિણામે લોકો પીડાય છે, પરંતુ અમે જીતીશું. અમે તૈયાર છીએ અને અત્યારે અમારી પ્રાથમિકતા રહેવાસીઓને ઘરે પરત લાવવાની છે કે જેમને તેઓએ આ યુદ્ધમાં બંધક બનાવ્યા છે.”
રોના લી શિમોને ભારતનો માન્યો આભાર
ઈઝરાયેલની અભિનેત્રી રોના લી શિમોને ઈઝરાયેલ સાથે ઊભા રહેવા બદલ ભારતનો આભાર માન્યો હતો. તેણીએ કહ્યું કે, “સાચું કહું તો, હું ભારત જેવા મિત્ર દેશ માટે ખૂબ જ આભારી છું, જે આ મુશ્કેલ સમયમાં અમારી સાથે છે. ભારત મારી પ્રિય જગ્યાઓમાંથી એક છે. ત્યાંના લોકો ખૂબ જ સરસ છે. હું સારી રીતે સમજી શકું છું કે 7 ઑક્ટોબરમાં ઇઝરાયેલમાં થયેલા ભયાનક હુમલાની નિંદા કરનાર તમે સૌપ્રથમ હતા. હું આનાથી વધુ કંઈ અપેક્ષા રાખતી નથી, પરંતુ હું ખરેખર હૃદયથી ખૂબ જ આભારી છું. આવા સમયે કોઈ તમારી સાથે છે. ઊભા થઈને આવા ભયાનક આતંકવાદી હુમલાની નિંદા કરવી એ શ્રેષ્ઠ બાબત છે.