અમેરિકાની ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગુરુવારે કહ્યું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે લગભગ 900 અમેરિકન સૈનિકો પશ્ચિમ એશિયામાં તૈનાત કરવામાં આવ્યા છે પેન્ટાગોનના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ પેટ રાયડરે જણાવ્યું હતું કે સૈનિકો તેમજ હવાઈ સંરક્ષણમાં ફોર્ટ બ્લિસ, ટેક્સાસની THAAD સિસ્ટમ (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ બેટરી), ફોર્ટ સિલ, ઓક્લાહોમાની પેટ્રિઅટ બેટરી અને ફોર્ટ લિબર્ટીમાંથી પેટ્રિઅટ એન્ડ એવેન્જર બેટરીનો સમાવેશ થાય છે. નોર્થ કેરોલિનાની બ્રિગેડ પણ તૈનાત કરવામાં આવી રહી છે.
જો કે પેટ રાયડરે એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે અમેરિકન સૈનિકોને પશ્ચિમ એશિયામાં ક્યાં તૈનાત કરવામાં આવશે, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે આ સૈનિકોને ઈઝરાયેલમાં નહીં પરંતુ પશ્ચિમ એશિયામાં પહેલાથી જ હાજર અમેરિકન દળોની સુરક્ષાને મજબૂત કરવા માટે મોકલવામાં આવ્યા છે. આ સૈનિકોને ત્યાંથી તૈનાત કરવામાં આવી રહ્યા છે.
પેન્ટાગોનના એક અધિકારીએ જણાવ્યું કે 17 ઓક્ટોબરથી 26 ઓક્ટોબરની વચ્ચે અમેરિકા અને તેના સહયોગી દળો પર ઈરાકથી ઓછામાં ઓછા 12 વખત અને સીરિયાથી ચાર વખત હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ડ્રોન અને રોકેટ હુમલાનો સમાવેશ થાય છે. પેન્ટાગોને એમ પણ કહ્યું કે અમેરિકા ઈઝરાયેલને બે આયર્ન ડોમ સિસ્ટમ આપવાની તૈયારી કરી રહ્યું છે જેથી ઈઝરાયેલની સુરક્ષા ક્ષમતા વધારી શકાય. પેન્ટાગોને હાલમાં જ પશ્ચિમ એશિયામાં લગભગ બે હજાર અમેરિકન સૈનિકો તૈનાત કરવાની તૈયારી કરી છે.
અપહરણ કરાયેલા 50 ઈઝરાયલીઓ માર્યા ગયા – હમાસનો દાવો
આતંકવાદી સંગઠન હમાસે ગુરુવારે દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટી પર ઈઝરાયેલના હુમલા બાદ અપહરણ કરાયેલા ઈઝરાયેલના ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે. જો કે હમાસના આ દાવાને હજુ સુધી સમર્થન મળ્યું નથી. હમાસની સૈન્ય બ્રિગેડ અલ-કાસમ બ્રિગેડે ટેલિગ્રામ ચેનલ પર એક નિવેદન જારી કરીને આ દાવો કર્યો છે.