વ્હાઇટ હાઉસે ગુરુવારે દાવો કર્યો હતો કે રશિયા યુદ્ધનો ઇન્કાર કરનાર સૈનિકોંને ફાંસીની સજા આપી રહ્યું છે. આ સાથે, યુનાઇટેડ સ્ટેટ્સે યુક્રેન માટે $150 મિલિયનના નવા સૈન્ય સહાય પેકેજની પણ જાહેરાત કરી છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે, અમારી પાસે માહિતી છે કે રશિયન સૈન્ય હકીકતમાં, એવા સૈનિકોને ફાંસી આપી રહ્યું છે જેઓ આદેશોનું પાલન કરવાનો ઇન્કાર કરે છે. અમારી પાસે એવી માહિતી પણ છે કે રશિયન કમાન્ડર જો યુક્રેનિયન આર્ટિલરી ફાયર હેઠળ પીછેહઠ કરવાનો પ્રયાસ કરશે તો સમગ્ર એકમોને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે,” તેમણે કહ્યું. જો કે, વ્હાઇટ હાઉસના અધિકારીએ એ નથી જણાવ્યું કે તેમને આ કથિત ફાંસી અંગેની માહિતી કેવી રીતે મળી.
રશિયાએ પાછલા અઠવાડિયામાં પૂર્વીય ડોનેટ્સક ક્ષેત્રના યુક્રેનિયન શહેર અવદિવકા અને ઉત્તરપૂર્વીય શહેર કુપ્યાન્સ્ક પર હુમલા વધારી દીધા છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ એમ પણ કહ્યું કે તાજેતરના હુમલામાં રશિયાને નોંધપાત્ર નુકસાન થયું છે. તેના ઓછામાં ઓછા 125 સશસ્ત્ર વાહનો નાશ પામ્યા હતા અને હજારો લોકો માર્યા ગયા હતા. કિર્બીએ જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે રશિયન સૈન્ય તેનો ઉપયોગ કરી રહ્યું છે જેને આપણે માનવ તરંગ યુક્તિઓ કહીએ છીએ,રશિયન સૈનિકોનું મનોબળ ઘણું તૂટી ગયું છે.” તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન બંને સત્તાવાર આંકડા જાહેર કરતા નથી, તેથી મૃત્યુનો ચોક્કસ આંકડો જાણવો મુશ્કેલ છે.