સુરત શહેરના અંધાણ વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે પેટ્રોલ પંપ કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો. પેટ્રોલ પંપ બંધ કરી 4.30 લાખ રૂપિયા લઈને કર્મચારી જતો હતો ત્યારે રસ્તામાં આંતરીને બે અજાણ્યા લૂંટારો લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ લૂંટની ઘટનામાં અલથાણ પોલીસે તાત્કાલિક એક આરોપીને ઝડપી પાડ્યો છે આરોપીએ આઈફોન મોબાઈલ ખરીદવા માટે લૂંટ કરી હોવાની કબુલાત પોલીસ સમક્ષ કરી છે.
બે દિવસ પહેલા જ અલથાણ વિસ્તારમાં રાત્રિના સમયે પેટ્રોલ પંપ નો કર્મચારી પંપ બંધ કર્યા બાદ 4.30 લાખનું કલેક્શન લઈને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા બે શખ્સોએ તેને આંતરીને તેની પાસે રહેલી 4.30 લાખ કેસ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બનતાની સાથે જ સુરત શહેરની અલથાણ પોલીસ સહિત વિવિધ બ્રાન્ચો આરોપીઓને શોધવા માટે કામે લાગી હતી. આ ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી અને સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પોલીસે જે આરોપીને ઝડપી પાડ્યો છે તેની પાસેથી પોલીસને 1.75 લાખ રૂપિયા રોકડા અને એક iphone 15 pro જેની કિંમત ₹1,45,000 છે તે મળી આવ્યો છે. અન્ય એક આરોપી લૂંટ કર્યા બાદ ૮૦ હજાર રૂપિયા લઈને મહારાષ્ટ્ર જતો રહ્યો હોવાથી તેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. મહારાષ્ટ્રથી આ આરોપીને પકડવા માટે અલથાણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.