ભાવનગર જિલ્લાના તળાજાના હનુમાનપરા વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચાર શખ્સોએ એક ઝૂંપડી પર હુમલો કરી સગર્ભા મહિલા સહિત ચાર લોકોને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યાનો બનાવ બન્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે ભાવનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ, ફુલીબેન રતિલાલભાઈ પરમાર (ઉં.વ. ૩૩) પોતાના પરિવાર સાથે હનુમાનપરા ખાતે હાજર હતા તે દરમિયાન ડુંગરવાળી શેરીમાં રહેતા રાજુભાઈ અને રમેશભાઈ લોખંડનો પાઇપ લઈને આવ્યા હતા. તેઓએ ફુલીબેનના બનેવી ધીરુભાઈ વિશે પૂછપરછ કરી ઉશ્કેરાઈને ગાળો આપી માર મારવાનું શરૂ કર્યું હતું. વચ્ચે છોડાવવા પડેલા સગર્ભા ફુલીબેન,તેમના ભાઈ રાજુભાઈ, બહેન નાથીબેન અને ભાઈના દીકરા અજયભાઈને અન્ય બે અજાણ્યા શખ્સોએ પણ ધોકા અને પાઇપ વડે બેફામ માર માર્યો હતો.
આ હુમલામાં નાથીબેન અને રાજુભાઈને માથા તેમજ કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દરમિયાન ૧૧૨ ની પોલીસ ટીમ આવતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસે રાજુભાઈ, રમેશભાઈ અને અન્ય બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૫૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ તળાજા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



