2023ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડીયા જોરદાર ફોર્મમાં છે. સતત 7મી મેચ જીતીને ભારતે સત્તાવાર રીતે વર્લ્ડ કપની સુપર-4માં એન્ટ્રી લઈ લીધી છે. ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે શ્રીલંકાને જેવો તેવો નહીં પરંતુ મોટા 302 રનથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે.
વર્લ્ડ કપના ઈતિહાસમા શ્રીલંકાનો આ કારમો પરાજય છે. શ્રીલંકાની આખી ટીમ 19.4 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઈ હતી. મોહમ્મદ શમીએ 5, સિરાજે 3,બુમરાહ -જાડેજાએ 1-1 વિકેટ ઝડપીને લંકાનો વીંટો વાળી દીધો. વિરાટ કોહલી 88, શુભમન ગિલ 92 સહિતના બીજા ખેલાડીઓની સારી ઈનિંગને કારણે ભારતે પહેલા બેટિંગ કરીને 357 જેટલો મોટો સ્કોર બનાવ્યો હતો.
ભારતની આ જીત સાથે પાકિસ્તાનની સેમીફાઈનલમાં પહોંચવાની આશા અકબંધ છે. પાકિસ્તાની ટીમને આ જીતનો બમ્પર ફાયદો થયો છે. સેમિફાઇનલમાં પહોંચવાની તેની આશા હવે વધુ વધી ગઈ છે. ભારતીય ટીમ અત્યારે 14 પોઈન્ટ સાથે ટોપ પર છે. જ્યારે પાકિસ્તાન 7 મેચમાં 3 જીત સાથે 5માં સ્થાને છે.
સેમીફાઈનલમાં પંહોચવા માટે પાકિસ્તાને તેની આગામી બે બાકીની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. એટલું જ નહીં, બંનેની જીત મોટા માર્જિનથી થવી જોઈએ. આ સ્થિતિમાં પાકિસ્તાનના 10 પોઈન્ટ થશે. અ સાથે જ ન્યુઝીલેન્ડની બે મેચ બાકી છે. જો ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારે અને શ્રીલંકાને હરાવે તો તેના પણ 10 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં સારી નેટ રન રેટ ધરાવતી ટીમ ક્વોલિફાય થશે. હાલમાં ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ +0.484 છે અને પાકિસ્તાનનો નેટ રન રેટ -0.024 છે.
ભારતની આ જીત સાથે શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર
સાત મેચમાં સાત જીત અને 14 પોઈન્ટ સાથે ભારત વર્લ્ડ કપની સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતની આ જીત સાથે શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે. ટીમ ઈન્ડિયાની આ મોટી જીતથી ભારતને માત્ર બે પોઈન્ટ જ નથી મળ્યા પણ ભારતના નેટ રન રેટમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સાઉથ આફ્રિકાને પાછળ છોડીને ભારત પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ભારતની બાકીની બે મેચ માત્ર ઔપચારિક જ રહી ગઈ છે.