મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૩૧માં મનભાવન યુવક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. મનભાવન શિર્ષક હેઠળ યોજાતા આ યુવક મહોત્સવમાં વિવિધ ૩૧ સ્પર્ધામાં કુલ ૧૧૬૧ વિધ્યાર્થી ભાઇઓ બહેનો ભાગ લેશે.
યુવરાજ જયવિરરાજસિહ તથા સાંસદ ભારતીબેન શિયાળ સહિત આગેવાનો અને યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ સહિતની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે યુવક મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારબાદ બહેનો દ્વારા આકર્ષક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
યુનિવર્સિટીના આ “મનભાવન’ યુવક મહોત્સવ-૨૦૨૩ની એક ખાસ વિશિષ્ટ બાબત એ રહેલી છે કે આ યુવક મહોત્સવ મહિલા સશક્તિકરણને કેન્દ્રમાં રાખી “નારી શક્તિ વંદના” તરીકે આયોજિત થનાર છે. યુવક મહોત્સવના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણને વેગ આપવા વિવિધ ક્ષેત્રોમાં ગૌરવપૂર્ણ કામ કરનાર લગભગ ૩૨ મહિલાઓનું અલગ અલગ રંગ મંચ પર વિવિધ સ્પર્ધાઓ દરમિયાન સન્માન કરવામાં આવશે. ૩૧માં આંતર કોલેજ યુવક મહોત્સવ ૨૦૨૩માં અંદાજીત ૬૦ કોલેજના કુલ ૧૧૬૧ વિદ્યાર્થી કલાકાર (ભાઈઓ- બહેનો) ભાગ લઇ રહ્યા છે. યુવક મહોત્સવમાં નૃત્ય સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની કાળજી રાખવા ડોક્ટરોની ટીમ યુનિવર્સિટી દ્વારા ઉપસ્થિત રાખવામાં આવશે.