નેપાળમાં ફરી એક વખત 6.4ની તીવ્રતાના ભૂકંપને કારણે 144 લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે કેટલીક બિલ્ડિંગને નુકસાન થયું હતું અને કેટલાક લોકો કાટમાળમાં દબાઇ ગયા હતા.નેપાળમાં આવેલા ભૂકંપમાં રૂકુમ પશ્ચિમ અને જજરકોટમાં 36 અને 34 લોકોના મોત થયા છે. નેપાળમાં આવેલા ભૂકંપમાં હજુ પણ કેટલાક લોકો ઘરોની નીચે દબાયેલા છે અને મૃતકઆંક વધવાની શક્યતા છે.
નેપાળના ભૂકંપ માપતા કેન્દ્રના અધિકારીઓ અનુસાર રાત્રે 11.47 વાગ્યે ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્ર જાજરકોટમાં જમીનની નીચે 10 કિલોમીટરની ઉંડાઇમાં હતું. ભૂકપની અસર ભારત અને ચીનમાં પણ અનુભવાઇ હતી. ભારતમાં પણ 40 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા.
નેપાળના પાટનગર કાઠમાંડુ અને તેની આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જાજરકોટ કાઠમાંડુથી લગભગ 500 કિલોમીટર પશ્ચિમમાં છે. ભૂકંપના ઝટકા અનુભવાતા જ કાઠમાંડુમાં લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન લોકો ડરેલા જોવા મળતા હતા.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપને કારણે નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નેપાળના પીએમઓએ ટ્વીટ કર્યુ,વડાપ્રધાન પુષ્પ કમલ દહલે શુક્રવાર રાત્રે 11.47 વાગ્યે જાજરકોટના રામીડાંડામાં આવેલા ભૂકંપથી માનવીય અને ઘરોને નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને તુરંત બચાવ અને રાહત માટે તમામ ત્રણ સુરક્ષા એજન્સીઓને લગાવવામાં આવી છે.
ભારતમાં પણ 40 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા
નેપાળમાં આવેલા ભૂકંપની તીવ્રતાનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે તેની અસર દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં જોવા મળી છે. બિહારના પટણા અને મધ્ય પ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના સામાન્ય ઝટકા અનુભવાયા હતા.






