વર્લ્ડકપ 2023માં ત્રીજી સેમિ ફાઇનલિસ્ટ ટીમ નક્કી થઇ ગઇ છે. અફઘાનિસ્તાનને હરાવીને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની છે. ભારતમાં રમાઇ રહેલા આઇસીસી વન ડે વર્લ્ડકપમાં સેમિ ફાઇનલની તસવીર સ્પષ્ટ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચનાર ત્રીજી ટીમ બની છે. હવે એક સ્થાન માટે ત્રણ ટીમ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સેમિ ફાઇનલમાં પહોંચવાની રેસ છે.
ભારત વર્લ્ડકપ 2023 લીગ રાઉન્ડમાં પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેશે અને ચોથા નંબર પર રહેનારી ટીમ સામે સેમિ ફાઇનલમાં ટકરાશે. સેમિ ફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ માટે ત્રણ ટીમ વચ્ચે ટક્કર છે. ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. આ ત્રણેય ટીમના 8-8 પોઇન્ટ છે.ચોથુ સ્થાન મેળવવાની રેસમાં પાકિસ્તાનની ટીમ પણ સામેલ છે. એવામાં હજુ એમ ના કહી શકાય કે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સેમિ ફાઇનલ મેચ કોલકાતામાં રમાય. જો પાકિસ્તાનને છોડીને કોઇ અન્ય ટીમ ચોથા સ્થાન પર રહે છે તો પછી ભારત મુંબઇમાં અને આ બન્ને ટીમ કોલકાતામાં રમશે.
પોઇન્ટ ટેબલની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બન્નેના 12-12 પોઇન્ટ છે. બન્ને ટીમે એક -એક લીગ મેચ રમવાની બાકી છે. બન્ને મેચ જીતી જાય તો પણ 14-14 પોઇન્ટ થશે. ભારતના 16 પોઇન્ટ છે. ભારતે એક મેચ નેધરલેન્ડ સામે રમવાની બાકી છે. પ્રથમ સેમિ ફાઇનલ મેચ પોઇન્ટ ટેબલમાં ટોપ પર રહેનારી ટીમ અને ચોથા નંબરની ટીમ વચ્ચે રમાશે જ્યારે બીજી સેમિ ફાઇનલ મેચ પોઇન્ટ ટેબલમાં બીજા અને ત્રીજા નંબર પર રહેનારી ટીમ વચ્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ 9મી વખત સેમિ ફાઇનલમાં
ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ 9મી વખત વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં જગ્યા બનાવીા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ 8 વખત સેમિ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યાં છે. ગ્લેન મેક્સવેલની બેવડી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું.