ઉત્તરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી રાજકોટ, અમરેલી, જુનાગઢ , સોમનાથ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. આ જિલ્લાઓમાં વાદળો છવાયા હતા અને વિસાવદરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હાલ ખેતરોમાં મગફળીના પાથરાં તથા કૃષિ જણસીઓ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પણ રખાયેલી મગફળીઓની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
જુનાગઢ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.વિસાવદર પંથકમાં દોઢથી બે ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો, આ ઉપરાંત માળિયાહાટીના, માણાવદર, બીલખા પંથકમાં પણ ઝાપટાં વરસ્યા હતા. અચાનક આવેલા માવઠાંથી વિસાવદર પંથકના ખથેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા, ધારીના ગીર કાંઠા વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થતા દિવાળી બગડવાની ચિંતા જન્મી હતી. ધારી શહેર તથા ગીગાસણ, બોરડી, ગોવિંદપુર, કુબડા સહિતના ગામોમાં સાંજે વરસાદથી કપાસ, મગફળીના તૈયાર પાક પલળી જવાની ચિંતા વ્યક્ત કરી છે,
ગીરસોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં હવામાન પલટાની સાથે સાંજે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તાલાલ શહેર ઉપરાંત આંકોલવાડી, રસુલપુરા, મોરુકા, ધાવા, લુશાળા, બોરવાવ, ચિત્રાવડ, સાંગોદ્રા, ચિત્રોડ સહિત ત્રીસેક ગામોમાં ભારે પવન સાથે અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો.