બોલીવૂડના લોકપ્રિય કથા-પટકથા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે એક કાર્યક્રમમાં રામ, સીતા અને રામાયણની જોરદાર પ્રશંસા કરી હતી એટલું જ નહીં, મંચ પરથી જય સિયારામના નારા પણ લગાવ્યા હતા. પોતાને નાસિક અને બિન સાંપ્રદાયિક તરીકે ઓળખાવનાર જાવેદ અખ્તરે જણાવ્યું ભગવાન રામ અને સીતા માત્ર હિન્દુ દેવતા નથી બલ્કે ભારતનો સાંસ્કૃતિક વારસો છે.
જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે તેને ગર્વ છે કે તે રામની ધરતી પર જન્મ્યા છે. જાવેદે જણાવ્યું હતું કે તે નાસિક છે પરંતુ તે રામ અને સીતાને દેશની સંપદા માને છે અને આ કારણે જ તે આ ઇવેન્ટમાં હાજર છે. તેમણે જણાવ્યું હતું કે રામાયણ આપણો સાંસ્કૃતિક વારસો છે અને રસપ્રદ વિષય છે. આપણે જ્યારે પણ મર્યાદા પુરુષોતમની વાત કરીએ છીએ ત્યારે આપણા મગજમાં રામ-સીતા જ આવે છે. જાવેદે પોતાનો એક બાળપણનો કિસ્સો વર્ણવતા કહ્યું હતું કે ત્યારે અમે લખનૌમાં રહેતા હતા. અમીર લોકો સવારે એક બીજાને જ્યારે સામાન્ય જન એકબીજાને જય સિયારામ કહેતા હતા. રામ અને સીતા પ્રેમ અને એકતાનું પ્રતિક છે.
જાવેદે હિન્દુઓની પ્રશંસા કરતા કહ્યું હતું કે હિન્દુઓનું દિલ હંમેશા મોટું રહ્યું છે. પણ જો આપ તેને ખતમ કરી દેશો તો તે પણ બીજાઓ જેવું બની જશે. તમે લોકો જેવીરીતે જીવ્યા છો તેમાંથી અમે શિખ્યા છીએ, જો આપ તે મૂલ્યો છોડી દેશો તો બધું ગરબડ થઇ જશે, કેટલાક લોકો એવા હતા જે હંમેશાથી અસહિષ્ણુ હતા પણ હિન્દુ એવા નહોતા.