શેરબજારમાં સંવત વર્ષ 79ની પોઝીટીવ ટોને વિદાય થઇ ગઇ છે. સમગ્ર વર્ષ દરમ્યાન મોટી ઉથલપાથલ જોવા મળવા છતાં અંતે તો હકારાત્મક તેજીમય જ રહ્યો હતો. લાર્જકેપ કરતા મીડ-સ્મોલ કેપમાં વધુ રીટર્ન મળ્યું હતું. મોટી સંખ્યામાં રીટેઇલ ઇન્વેસ્ટરોનો ઉમેરો થયો હોવાના કારણોસર વધુને વધુ નાણાં ઠલવાયા હતા. સરેરાશ તેજી વચ્ચે સંવત વર્ષમાં ઇન્વેસ્ટરોને 64 લાખ કરોડની કમાણી થઇ હતી.
સંવત વર્ષ 2079 શેરબજાર માટે કેટલું ઉથલપાથલભર્યું બન્યું તેનો અંદાજ ઇન્ડેક્સની મુવમેન્ટ પરથી આવી ગઇ છે. ગત ડીસેમ્બરના પ્રારંભે જ નિફટીએ 20222.45 પોઇન્ટનું સર્વોચ્ચસ્તર હાંસલ કરી લીધું હતું. માર્કેટને સર્વોચ્ચસ્તરે પહોંચાડવામાં અને કારમી મંદીમાં ધકેલવામાં અનેક કારણો પરિબળોએ ભાગ ભજવ્યો હતો.
સંવતવર્ષ 2079નુ સમાપન પોઝીટીવ નોટે થયું છે ત્યારે હવે સંવતવર્ષ 2080 કેવું રહેશે તે વિશે શેરબ્રોકરોથી માંડીને રીટેઈલ ઈન્વેસ્ટર સુધીના વર્ગોમાં અટકળો-આશાવાદ પ્રવર્તી રહ્યો છે. જો કે, નવા વર્ષમાં અનેક મોટા ઈવેન્ટ છે અને તેની વ્યાપક અસર થવાની ગણતરી મુકવામાં આવી રહી છે. નવા વર્ષના પરિબળો પર નજર કરવામાં આવે તો સૌપ્રથમ પાંચ રાજયોના વિધાનસભા ચુંટણી પરિણામો રહેશે. જો કે, બહુ મોટા પ્રત્યાઘાત નહીં પડે છતાં પરિણામ આધારિત સરકારી નીતિઓમાં બદલાવ કર્યો અને મુખ્ય ચુંટણી પુર્વે લોકલુભાવન પગલાથી અર્થતંત્ર પર દબાણ ઉભુ થઈ શકે છે. એપ્રિલ-મેની સામાન્ય ચુંટણીનો નિર્ણાયક પ્રત્યાઘાત પડી શકે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળે છે કે કેમ તે સૌથી અગત્યનું બનશે.
ત્યારબાદ નવી સરકારનું બજેટ નવો ટ્રેન્ડ નકકી કરશે અને છેલ્લે અમેરિકી પ્રમુખપદની ચુંટણી અસરકર્તા બનશે. વૈશ્વિક આર્થિક સ્લોડાઉન જેવા કારણો ડીસ્કાઉન્ટ થઈ જ ગયા છે. ભારતીય અર્થતંત્ર કે આર્થિક વિકાસદર વિશે કોઈ શંકા નથી. વૈશ્વિક રેટીંગ એજન્સીઓ વિકાસનો અંદાજ વધારી રહ્યાનું સૂચક છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર વોચ રહેશે. ભલે અત્યાર સુધી યુદ્ધને ડિસ્કાઉન્ટ કરાયું છે. તેમાં અન્ય દેશો ઝંપલાવે છે કે કેમ અને વધુ વિસ્તરે તો માર્કેટમાં અસર રહેશે. વૈશ્વિક ભૌગોલિક ટેન્શન વખતોવખત પ્રત્યાઘાતો સર્જી શકે છે. વિદેશી નાણાં સંસ્થાઓ કેટલાક વખતથી સતત વેચાણ કરી રહી છે તેનું વલણ બદલાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે.
જાણીતા બ્રોકીંગ હાઉસ એએનએસ સિકયુરીટીના જયેશ શેઠના કહેવા પ્રમાણે નવા સંવતવર્ષ માટે આશાવાદ સૂર જ છે. ટ્રેન્ડ પોઝીટીવ રહી શકે છે છતાં વખતોવખત જુદા-જુદા પરિબળો અસરકર્તા બની રહેશે. હકારાત્મક તેજીમય ટ્રેન્ડના સંજોગોમાં નિફટી 22500 થી 23000 થઈ શકે છે. જયારે કોઈ ગંભીર વિપરીત કારણ ઉભુ થવાના સંજોગોમાં 15000 સુધી પણ આવી શકે છે. પાવર, કેમીકલ્સ તથા રેલ્વે ક્ષેત્રના શેરો આકર્ષક રહી શકે છે.