ભાવનગરમાં રાજકોટ રોડ પર સરિતા શોપિંગ સેન્ટર ગેરકાયદે હોવાનો વિવાદ ચગ્યો છે ત્યારે હાઇકોર્ટની ગાઇડલાઈન અનુસાર મિલકત ધારકોને સાંભળી હવે કમિશનરે શોપિંગ સેન્ટર દૂર કરતો ર્નિણય જાહેર કર્યો છે અને જેસીબી મશીનોને વર્દી પણ અપાઈ ગઇ છે. જોકે, બીજી બાજુ વેપારીઓ પણ આ મામલે ફરીથી હાઈકોર્ટના દ્વાર ખખડાવશે તેમ જાણવા મળ્યું છે.
આ મામલે અગાઉ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ હટાવવા ૨૬૦/૨ ની નોટિસ બજવી હતી પરંતુ દુકાનદારો દ્વારા હાઇકોર્ટના દ્વાર ખખડાવતા કોર્પોરેશનની કામગીરીને બ્રેક લાગી હતી અને દુકાનદારોને એક વખત સાંભળ્યા બાદ જ આગળ વધવા અને કોર્પોરેશન કક્ષાએ ર્નિણય લેવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. જેના પગલે સરિતા શોપિંગ સેન્ટરની ૪૪ ગેરકાયદેસર દુકાનોના માલિકોને ગત ફેબ્રુઆરીમાં સાંભળવામાં આવ્યા હતા પરંતુ કમિશનર કક્ષાએથી ર્નિણય જાહેર કરાયો ન હતો. હવે કોર્પોરેશનને રહી રહીને શૂરાતન ચડ્યું હોય તેમ ૪૪ ગેરકાયદે દુકાનો હટાવવા માટે કોર્પોરેશને નોટિસ ફટકારી છે. અને આગામી ત્રણ દિવસમાં બાંધકામ હટાવવાનો ર્નિણય પણ કરાશે. કોર્પોરેશને દુકાનો હટાવવાનો ર્નિણય લઈ તેની જાણ કરતા હુકમની નકલ રજીસ્ટર એડીથી ૨૧ નવેમ્બરે રવાના કરી છે, હુકમની નકલ દુકાનદારોના હાથમાં આવ્યાના ત્રણ દિવસ બાદ ગમે ત્યારે કોર્પોરેશનના જેસીબી ધણધણી ઉઠશે તેવો તખ્તો ઘડાયો છે, બીજી બાજુ દુકાનદારોએ પણ નવેસરથી હાઈકોર્ટના દ્વાર ખટખટાવવા મન મક્કમ કર્યું હોવાનુ જાણવા મળ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં તત્કાલીન શાસકો અને તંત્રની મીલીભગતથી સરિતા શોપિંગ સેન્ટરના ગેરકાયદે બાંધકામ સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ ત્યારબાદ અંતે વર્તમાન શાસકો અને તંત્ર દ્વારા ગેરકાયદે સરિતા શોપિંગ સેન્ટરના બાંધકામ હટાવવા પુનઃ સળવળાટ શરૂ થયો હતો. જેથી સરિતા શોપિંગ સેન્ટર તોડી પાડવા કાર્યવાહી કરાતા દુકાનદારોના દાવા મુજબ તત્કાલીન કમિશનર અને શાસકો દ્વારા પુનઃ દુકાનદારો સાથે મૌખિક સમજાવટ કરી ફ્લાય ઓવરમાં જરૂરિયાત પૂરતા આગળના દસ ફૂટ જગ્યા છોડવા આખું શોપિંગ સેન્ટર પાડી નવેસરથી ૧૦ ફૂટ છોડી બાંધકામ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. અંતે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર બાંધકામ હટાવવા ૨૬૦ /૧અને ૨૬૦ /૨ ની નોટિસ આપી હતી. પરંતુ વેપારીઓએ પણ કોર્પોરેશનનું નાક દબાવ્યું હતું. સરિતા શોપિંગ સેન્ટરના કોમન પ્લોટમાંથી કોર્પોરેશને ફ્લાય ઓવર કાઢી ગંભીર ભૂલ કરી હતી. જેથી કોર્પોરેશન પણ ચૂપકીદી સેવી બેઠું હતું.
પરંતુ કોર્પોરેશન દ્વારા જમીન સંપાદન કરવાની કાર્યવાહી કરી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. ગત ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટ દ્વારા સરિતા શોપિંગ સેન્ટરના દુકાનદારોને સાંભળી ત્યારબાદ રજીસ્ટર એડીથી નોટિસ આપ્યા બાદ ત્રણ દિવસ પછી કમિશનરને કાર્યવાહી કરવા સત્તા આપી હતી. પરંતુ ત્યારબાદ પણ કોર્પોરેશનને કાર્યવાહી કરવા સત્તા પક્ષની કોઈને કોઈ અડચણ ઊભી થતી હતી. અંતે આજે સરિતા શોપિંગ સેન્ટરની ૪૪ દુકાનના ૩૧ કબજેદારોને ગેરકાયદેસર બાંધકામ હટાવવા નોટિસ આપી છે. જેથી આગામી ત્રણ દિવસ બાદ હાઇકોર્ટના ચુકાદા મુજબ કમિશનર કાર્યવાહી કરી શકશે.