૧૨ વર્ષ અગાઉ ગઢડામાં થયેલ હત્યા કેસમાં કાકા- દાદાના ભાઈઓના નામ હોઈ મનદુઃખ રાખી બાળ અદાલતમાં બોટાદ ખાતે મુદ્દતમાં ગયેલ સિહોરના યુવકની પરત ફરતા પાર્કિગમાં ગાડી લેવા ગયેલ ત્યારે તેમના પર છરીના ઘા ઝીંકી મોત નિપજાવ્યાની ફરિયાદ ગઢડાના ૭ શખસો વિરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.આ સંદર્ભે બોટાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સને ઝડપી લીધા હતા.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા ગગજીભાઈ સુખાભાઈ જાગરાણા (ઉ.વ.૩૪)એ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બોટાદ જિલ્લાના ગઢડા ખાતે રહેતા જગાભાઈ વિભાભાઈ સાટિયા, લાખાભાઈ વિભાભાઈ સાટિયા, રણછોડભાઈ ઉર્ફે રસલો વિભાભાઈ સાટિયા, જીણાભાઈ વિભાભાઈ સાટિયા,જગાભાઈ નાનુભાઈ સાટિયા, સુરાભાઈ નાનુભાઈ સાટિયા તથા ભરતભાઈ કેહુરભાઈ સાટિયા વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સને ૨૦૧૧માં ગઢડા ખાતે જગાભાઈ વિભાભાઈ સાટિયાના ભાઈ રાજુભાઈ વિભાભાઈ સાટિયાની હત્યા થઈ હતી. જેમાં ગગજીભાઈ જાગરાણાના કાકા તથા કાકા-દાદાના ભાઈઓના નામ આરોપીઓ તરીકે હોય જેનું મનદુઃખ રાખી કાકા કનુભાઈ તથા તેમનો દીકરો લખમણભાઈ બાળ અદાલત બોટાદ ખાતે તાલુકા સેવા સદનમાં કેસ સબબ મુદ્દતમાં આવેલ હોઈ મુદ્દત પૂર્ણ કરી પરત ફરતા પાર્કિગમાં ગાડી લેવા જતા આરોપીઓએ અગાઉથી ગુનાહિત કાવતરું રચી એકસંપ કરી છરીઓ વતી કાકાના દીકરા લખમણભાઈ કનુભાઈ જાગરાણાને પેટના ભાગે તથા છાતીના ભાગે તથા બંને હાથ પર તથા પીઠ પાછળ વીસથી પચ્ચીસ જેટલા ઘા મારી જીવલેણ ઈજા કરી મોત નિપજાવ્યું હતું. તેમજ ફરિયાદીના કાકા કનુભાઈને રણછોડભાઈ ઉર્ફે રસલો વિભાભાઈ સાટિયાએ ઈંટનો છૂટ્ટો ઘા કરી સામાન્ય ઈજા પહોંચાડી હતી.બોટાદ ટાઉન પોલીસે તમામ ૭ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.આ ધટના સંદર્ભે બોટાદ એલસીબીએ સાત પૈકી ઝીણા વિભાભાઈ સાટીયા ( રહે. કોઠી વાડી ગઢડા ), જગાભાઇ વિભાભાઈ સાટીયા ( રહે. નુતન નગર હાઈસ્કૂલ પાસે ગઢડા )ને ગઢડાના અડતાળા ગામે આવેલા હીફલી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા જ્યારે અન્ય પાંચ શખ્સોને ઝડપી લેવા બન્નેની પુછપરછ સહિત તપાસ હાથ ધરી છે.