મહુવા તાલુકાના ડોળીયા ગામમાં રહેતા યુવકને યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તેના ફોટા મોબાઇલમાં રાખેલા હોય એ બાબતની દાઝ રાખી નેસવડ ગામમાં રહેતા યુવતીના બે ભાઈઓએ યુવક અને તેના પિતા ઉપર છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના ડોળીયા ગામમાં રહેતા પરસોતમભાઈ બાબુભાઈ મકવાણાને નેસવડ ગામમાં રહેતા નિકુલ હિંમતભાઈ બારૈયાની બહેન સાથે છેલ્લા એકાદ વર્ષથી પ્રેમ સંબંધ હોય અને નિકુલની બહેનના ફોટા તેમના મોબાઈલ ફોનમાં રાખેલ હોય તે બાબતની દાઝ રાખી ગઈકાલે પરસોતમભાઈ તેમના પિતા અને બહેન સાથે વાડીએ કામ કરતા હતા ત્યારે નિકુંજ બારૈયાએ ફોન કરીને તું મારી હાજરીમાં મારી બેનના ફોટા મોબાઈલ માંથી ડીલીટ કરજે હું આવું છું તેમ કહીને ફોન મૂકી દીધો હતો.ત્યારબાદ પરસોતમભાઈ તેના પિતા અને બહેન વાડીએથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોટરસાયકલ પર આવેલા નિકુલ હિંમતભાઈ બારૈયા અને દિપક હિંમતભાઈ બારૈયાએ તેમને અટકાવી મોબાઇલમાંથી ફોટા ડીલીટ કરી ગાળો અને ધમકી આપતા તેમને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા નિકુલે બાબુભાઈ મકવાણાને છરીનો એક ઘા ઝીંકી દિધો હતો.જ્યારે દિપકે પરસોતમભાઈને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ બનાવવા ઇજાગ્રસ્ત બાબુભાઈને સારવાર અર્થે મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમણે બંને વિરુદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.