ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાતમીના આધારે ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં વિદેશી બનાવટનો પરપ્રાંતિય દારૂ મળી આવ્યો હતો, જો કે આરોપી પોલીસ પકડથી દૂર રહ્યો હતો
બનાવ અંગેની વિગતો પ્રમાણે બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ સ્ટાફના માણસો પ્રોહિબિશન અને જુગારના કેસો શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, ઉપેન્દ્ર લાખુભા ડોડીયા (રહે. ફુલસર શિવાલીક પાર્ક, ભાવનગર) ઇન્દિરાનગર માર્કેટિંગ યાર્ડની પાછળ શીતળા માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ઇંગ્લીશ દારૂનું છૂટક વેચાણ કરે છે. પોલીસે પંચોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પંચોની રૂબરૂમાં બાવળની ઝાડીઝાંખરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી 39 બોટલો મળી આવી હતી, પોલીસે કુલ રૂ 20 હજારનો મુદામાલ જપ્ત કરીને ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરુ કરી છે.






