દુષ્કર્મ અને જમીન ઉપર કબજો કરવાના મામલે જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુનો ફોટો લગાવી કપરાડાની કેટલીક શાળાના શિક્ષકોએ વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી કરવાના મામલે વિડીયો અને ફોટો વાયરલ થતા દસ મહિના બાદ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ 33 જેટલા શિક્ષકોને નોટિસ ફટકારી ખુલાસો માંગતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
દુષ્કર્મ અને જમીન હડપવાના કેસમાં સંત આસારામ બાપુ અને તેનો પુત્ર નારાયણ સાંઈ હાલમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. તેમ છતાં વલસાડ જિલ્લામાં વસતા તેમના ભક્તો અને અનુયાઈયો દ્વારા આસારામ બાપુના માર્ગો પર ચાલી વારે તહેવારે કાર્યક્રમ કરી રહ્યા છે. 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે આસારામ બાપુના કહ્યાં પ્રમાણે દર વર્ષે માતૃપિતૃ વંદના કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. કપરાડા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 14 મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે માતૃપિતૃ વંદના દિવસની ઉજવણીના ભાગરૂપે આસારામ બાપુનો ફોટો મૂકી તેમજ વિદ્યાર્થીઓના વાલી માતાપિતાને શાળામાં હાજર રહેવા ફરમાન કર્યું હતું.
આચાર્યએ કરેલા હુકમને માન આપી શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓએ માતૃપિતૃ પૂજન કાર્યક્રમમાં આસારામ બાપુનો ફોટો મૂકી આરાધના આરતીઓ કરવામાં આવી હતી. આ બાબતોનો ફોટો અને વીડિયો વાયરલ થતા જિલ્લા પ્રાથમિક શાળામાં ભણાવતા શિક્ષકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં નૈતિક અધ:પતન/ગુનાહિત વ્યકિતનો આસારામજી ફોટો તથા આશારામ બાપુ દ્વારા 14 ફેબ્રુઆરી માતૃ-પિતૃ દિવસના” લખાણ સાથે બેનર લગાવી માતૃપિતૃ દિવસની ઉજવણી કરવામાં આવેલ, જે અન્વયે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તથા શિક્ષકોને આ કાર્યક્રમ બાબતે કચેરીએથી સંબંધિત 33 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે જેને લઈ શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.