દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)એ નવેમ્બરમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સમયગાળા દરમિયાન ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શનમાં પણ વધારો થયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, ગયા મહિને દેશમાં UPI ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 17.4 ટ્રિલિયનના વ્યવહારો થયા હતા. આ ઓક્ટોબરમાં રૂ. 17.16 ટ્રિલિયનના ટ્રાન્ઝેક્શન કરતાં 1.4 ટકા વધુ છે.
જો કે, આ સમયગાળા દરમિયાન કુલ વ્યવહારોની સંખ્યામાં 1.5 ટકાનો ઘટાડો થયો છે. તે ઓક્ટોબરમાં 11.41 અબજથી ઘટીને 11.24 અબજ થઈ ગયો છે. આના પરથી સમજી શકાય છે કે ટ્રાન્ઝેક્શન દીઠ વધુ પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાણાકીય વર્ષ 2027 સુધીમાં UPI ટ્રાન્ઝેક્શનની સંખ્યા દરરોજ 100 કરોડના આંકડાને પાર કરી જશે. એવો અંદાજ છે કે પાંચ વર્ષમાં દુકાનોમાં 90 ટકા વ્યવહારો UPI દ્વારા થશે.
NPCI અનુસાર, ગયા વર્ષના નવેમ્બરની સરખામણીએ આ વર્ષે UPI ટ્રાન્ઝેક્શનમાં 54 ટકાનો વધારો થયો છે અને પૈસાની લેવડદેવડમાં પણ 46 ટકાનો વધારો થયો છે. આ સપ્ટેમ્બર, 2023માં, 15.8 ટ્રિલિયન રૂપિયાના 10.56 અબજ વ્યવહારો થયા હતા. નવેમ્બરમાં 32.1 કરોડ ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન થયા હતા જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 32 કરોડ હતો. ફાસ્ટેગ દ્વારા 5303 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી હતી જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 5539 કરોડ રૂપિયા હતો. ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન વધ્યા છે પરંતુ રકમ ઘટી છે.
ગયા મહિને IMPS (ત્વરિત ચુકવણી સેવા)ના ઉપયોગમાં ઘટાડો થયો છે. ઓક્ટોબરની સરખામણીમાં નવેમ્બરમાં તે 4 ટકા ઘટીને માત્ર 47.2 કરોડ થઈ ગયો છે. સ્પષ્ટપણે જોવા મળે છે કે UPIએ IMPSને અસર કરી છે. નવેમ્બરમાં, AEPS (Aadhaar Enabled Payment System) પણ 10 ટકા વધીને 11 કરોડ ટ્રાન્ઝેક્શન પર પહોંચી ગયું છે. AEPS દ્વારા 29640 કરોડ રૂપિયાના વ્યવહારો થયા હતા. UPI, Tap and Pay અને Hello UPI જેવી સુવિધાઓ લોકોને રોકડ વ્યવહારોથી દૂર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. નાનાથી મોટા ઉદ્યોગપતિઓએ UPI પેમેન્ટ સ્વીકારીને તેમનું કામ સરળ બનાવ્યું છે.