ગત સપ્તાહે થયેલા કમોસમી માવઠા બાદ હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત કમોસમી માવઠાની આગહી કરી છે. જેના પગલે રવિવારે ભાવનગર શહેરમાં હળવા ઝાપટા પણ પડ્યાં હતા. અને પવન પણ ફૂકાતા બપોર સુધી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે વરસાદી માહોલના કારણે સવારે મોડે સુધી ધુમ્મસનો માહોલ સર્જાય રહ્યો છે. અને બપોર સુધી વાદળો છવાયેલા રહ્યા હતા.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા અપાયેલી કમોસમી માવઠાની આગાહીના પગલે વાદળોની આવનજાવન વધવા પામી છે. જેના પગલે રવિવારે હળવા ઝાપટા પણ પડ્યા હતા. અને રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી આમ ઠંડક અને ભેજના કારણે બેવડી રૂતુનો અનુભવ થવાથી શરદી, તાવ, ઉધરસ સહિતના દર્દીઓમાં વધારો થવા લાગ્યો છે. અને દવાખાનામાં દર્દીઓની ભીડ પણ વધવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં લધુતમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
આજે સોમવારે સવારે પણ મોડે સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધુમ્મસ છવાયેલુ રહ્યું હતું. અને સુર્યનારાયણના દર્શન થયા ન હતા. સાથે સાથે ઠંડો પવન પણ શરૂ થયો હતો. જોકે હજુ સુધી લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રીથી નીચે ગયુ ન હોય ગરમ વસ્ત્રો સાથે બજારમાં નિકળવુ પડે તેવી સ્થિતિ આવી નથી પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી માવઠુ થશે તો ઠંડી અને રોગચાળામા વધારો થશે તેમ મનાઈ રહ્યું છે. માવઠાની ફરી થયેલી આગાહીના પગલે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. દરમિયાન ભાવનગરમાં લઘુતમ તાપમાન ઘટીને ૨૧ ૩ ડિગ્રી થયુ હતુ જ્યારે મહતમ તાપમાન ૨૮ ૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે સરેરાશ ૧૪ કી.મી.ની ઝડપે પવન ફૂકાવા સાથે ભેજનુ પ્રમાણ ૭૫% રહ્યું હતું.