ભાવનગર શહેરમાં આવેલી કેનેરા બેન્કની શાખામાં એસી રિપેર કર્યા બાદ તેમાંથી ગેસ લીકેજ થવાથી બેન્કના મેનેજર સહિતના કર્મચારીઓએ રિપેર કરનાર કારીગરને ફોન પર માનસિક ત્રાસ આપતા રિપેર કરનાર યુવકે ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી દેતા ભારે ચકચાર જાગી છે. આ મામલે બેન્કના મેનેજર સહીત બે વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામી છે.
ભાવનગર રેલવે હોસ્પિટલની પાસે કેનેરા બેન્કની શાખા આવેલી છે જેમાં એસીમાં ખોટકો સર્જાતા બંધ પડી ગયુ હતું, એસી રિપેર કરવા માટે બોરીચાભાઈની ભલામણથી અલ્પેશ નરશીભાઈ પડાયા નામના કારીગરે બેન્કનુ એસી રીપેર કરી આપ્યુ હતું પણ એ વખતે એસીની સ્થિતિ જોઈને ૨૪થી ૨૬ ડીગ્રી ટેમ્પરેચર રાખવા સલાહ આપી હતી. અને મેનેજર સહિતનુ ધ્યાન દોર્યુ હતુ.
દરમિયાનમાં બેન્ક કર્મચારીઓ દ્વારા ૧૬ ડીગ્રીએ એસી કરતા ગેસ લીકેજ થવા સાથે એસી બંધ પડી ગયુ હતું. એટલે ફરી વખત રીપેર કરવા બેન્કના મેનેજર આશિષ વાસુદેવ કાંબલે અને અન્ય એક કર્મચારી ભાવીનભાઈએ કારીગર અલ્પેશ પડાયાને ફોન કર્યો હતો, અને વારંવાર ફોન કરીને ધાક ધમકી આપીને ફોડ કેસમાં ફસાવી દેવાનો માનસીક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ કરી કારીગરના પત્ની જીજ્ઞાશાબેને કરતા ફરીયાદ નોંધાવી હતી કે તેના પતિ અલ્પેશભાઈ બેન્ક મેનેજર અને કર્મચારીના સતત ફોનથી માનસિક રીતે હતાશ થઈ ગયા હતા અને સતત ચિંતામાં રહેતા હોઈ અંતે અલ્પેશભાઈએ ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ મામલે પોલીસે બેન્કના મેનેજર અને કર્મચારી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. આ ઘટના ૨૨ ઓકટોબરના રોજ બની હતી. ત્યાર બાદ હવે ફરિયાદ દાખલ કરાઈ હતી. પોલીસે આઈપીસી ૩૦૬, ૫૦૬, ૫૦૪, ૧૧૪ અને અનુસુચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.