ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના મોતીતળાવ વિસ્તારમાં સંકલિત સફાઇની સાથે ઓપરેશન દબાણ હટાવ છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. આજે ચોથા દિવસે પણ મોતીતળાવથી કુંભારવાડા રેલ્વે ફાટક સુધી તંત્રએ ઝાડી-ઝાખરા અને ગંદકીની સફાઇ સાથે ગેરકાયદે દબાણોનો પણ સફાયો કર્યો હતો.
મોતીતળાવમાં વીઆઇપીમાં બન્ને સાઇડ સઘન સફાઇ અભિયાન સાથે ગેરકાયદે ખડકલો થયેલ ફર્નિચર અને ભંગાર તેમજ મશીનરી સહિતનો માલ-સામાન વાહનો ભરી ભરીને કબ્જે લેવાયો છે. આજે ચોથા દિવસે કોર્પોરેશનની કાર્યવાહી ચાલુ રહી હતી જેમાં મોતીતળાવથી કુંભારવાડા રેલ્વે ફાટક સુધીના વિસ્તારને આવરી લઇ ગંદકીની સાફ-સફાઇ કરવામાં આવી હતી સાથે ત્રણ શેડ, એક ઓરડી, પાંચ દિવાલો વિગેરે તોડી પડાયેલ જ્યારે બે વાહન ભરી ભંગાર સહિતનો સામાન જપ્ત કરાયો હતો.