અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં પતિ,પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લંડન ગયા બાદ પરિણીતાનો પતિ તેને વારંવાર છૂટાછેડા આપવા માટે કહેતો અને તેની સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી દીધું હતું. એટલું જ નહીં, લંડનમાં તે અન્ય યુવતી સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેના સાસુએ તેને કહ્યું હતું કે તારે મારા દિકરા સાથે રહેવું હોય તો તારા પિતાના ઘરેથી 20 લાખ લઇ આવ, તો જ રાખીશું. અંતે કંટાળીને પરિણીતાએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
લગ્ન બાદ પરિણીતાનો પતિ નાની-નાની બાબતોમાં તેની સાથે ઝઘડો તકરાર કરતો હતો. તને રસોઇ બનાવતા આવડતું નથી, એમ કહીને મહેણા-ટોણા મારતો હતો અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તેના સાસુ પણ અવારનવાર તેની સાથે ઝઘડા કરી ઘરની બહાર નીકળી જવા કહેતા હતા. જેથી પરિણીતા તેના પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. જોકે, બાદમાં તે પતિ અને દીકરી સાથે ઇસનપુર ખાતે રહેવા માટે આવ્યા હતાં. પરિણીતાના પતિને લંડના વીઝા મળતા તે લંડન ગયા હતાં. જ્યાંથી પણ અવારનવાર છૂટાછેડા આપવા માટે કહેતા અને વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેના પતિએ પરત આવીને પરિણીતા અને તેની દીકરીના વીઝા આવી ગયા હોવાનું કહીને લંડન જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેના પતિએ તેમની ફ્લાઇટની ટિકિટ અલગ કરાવી હતી. આ સમયે પરિણીતાને જાણ થઇ હતી કે તેના પતિને એક યુવતી સાથે આડાસંબંધ છે જે તેની સાથે લંડનમાં રહેતી હતી. જોકે, તેના સસરાનું આકસ્મિક અવસાન થતાં પતિ આ યુવતી સાથે ભારત આવ્યો હતો. પરંતુ પરિણીતાને લઇ ગયો નહીં.
જે બાબતે પરિણીતાના માતા-પિતાએ તેના પતિને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને લંડન આવી તેના પતિએ તેની સાથે ઝઘડો તકરાર કરીને કહ્યું હતું કે, મારે તારી સાથે રહેવું નથી અને છૂટાછેડા લેવા છે. આમ પરિણીતાને ગંદી ગાળો બોલીને મારઝુડ કરતાં તેનો ભાઇ ફોનમાં સાંભળી ગયો હતો. જેથી તેણે તાત્કાલિક ટિકિટ કરાવીને પરિણીતા અને તેની દીકરીને અહીં પરત બોલાવી લીધા હતાં. જોકે, અનેક પ્રયત્નો બાદ સમાધાન થયું ન હતું. એટલું જ નહીં, તેના સાસુએ કહ્યું હતું કે તારે મારા દિકરા સાથે રહેવું હોય તો તારા પિતાના ઘરેથી 20 લાખ લઇ આવ, તો જ રાખીશું. જે અંગે બાદમાં પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.