ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને પોતાનું રાજીનામું આપી દીધુ છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોની પણ કોંગ્રેસમાંથી વિકેટ પડવાના એંધાણ સેવાઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને AAPને મોટા ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી સુધીમાં એક કરતાં વધુ ધારાસભ્યો રાજીનામાં આપી શકે છે. કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ મોટા પ્રમાણમાં ઘટવાની સંભાવના રાજકીય ક્ષેત્રે વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતના વધુ એક ધારાસભ્યએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ચિરાગ પટેલ પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું.
ચિરાગ પટેલ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય હતા. ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલ જીત્યા હતા. ભાજપના ગઢ ગણાતા ખંભાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ દમદાર અને લોકપ્રિય ઉમેદવાર ચિરાગ પટેલને ટિકિટ આપી હતી અને જીત થઈ હતી.